Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

નેપાળે એમડીએચ અને એવરેસ્ટ બન્ને ભારતીય બ્રાન્ડના મસાલાના વેચાણ, ઉપયોગ અને આયાત પર પ્રતિબંધ મૂક્યો

નેપાળના ખાદ્ય પ્રૌદ્યોગિકી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગે આ મસાલામાં જંતુનાશકો અને ઇથિલિન ઓક્સાઈડ હોવાની સંભાવનાના અહેવાલો વચ્ચે આ નિર્ણય  લીધો છે.

કાઠમાંડુ, તા. ૧૭

એપ્રિલ મહિનાથી શરૂ થયેલો ભારતીય મસાલાનો વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. હોંગકોંગ બાદ નેપાળે એમડીએચ (MDH) અને એવરેસ્ટ (EVEREST) એમ બે ભારતીય બ્રાન્ડના મસાલાની આયાત, ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.

નેપાળના ખાદ્ય પ્રૌદ્યોગિકી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગે આ મસાલામાં જંતુનાશકો અને ઇથિલિન ઓક્સાઈડ હોવાની સંભાવનાના અહેવાલો વચ્ચે આ નિર્ણય  લીધો છે. નેપાળે આ મસાલાઓમાં ઇથિલિન ઓક્સાઇડનું પરીક્ષણ પણ શરૂ કર્યું છે કારણ કે, ઇથિલિન ઓક્સાઇડથી કેન્સર થવાનું જાેખમ રહેલું છે.

નેપાળના ખાદ્ય પ્રૌદ્યોગિકી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગના પ્રવક્તા મોહન કૃષ્ણ મહારાજને જણાવ્યું હતું કે, નેપાળમાં એમડીએચ અને એવરેસ્ટ મસાલાની આયાત પર એક અઠવાડિયા પહેલા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અમે તેના વેચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ બે બ્રાન્ડના મસાલામાં ઇથિલિન ઓક્સાઈડની તપાસ ચાલી રહી છે. અંતિમ અહેવાલ આવે ત્યાં સુધી પ્રતિબંધ ચાલુ રહેશે. ઇથિલિન ઓક્સાઇડ ભારતીય મસાલા બ્રાન્ડ એમડીએચ અને એવરેસ્ટ માટે માથાનો દુખાવો બની રહ્યું છે. હોંગકોગ બાદ વિશ્વના દેશો એમડીએચ અને એવરેસ્ટના મસાલા પર પ્રતિબંધ મૂકી રહ્યા છે.

બ્રિટનની ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સી (fsa) એ ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે, તેણે આ વર્ષની શરૂઆતથી ભારતીય મસાલામાં ઇથિલિન ઓક્સાઇડ માટે વધારાના નિયંત્રણ પગલાં લીધાં છે. એફએસએ જણાવ્યું હતું કે, ઇથિલિન ઓક્સાઇડના મહત્તમ સ્તરો માટે પ્રારંભિક ચેતવણી સિસ્ટમ (ઈડબલ્યુએસ) છે. બ્રિટનમાં ઇથિલિન ઓક્સાઇડ પર પ્રતિબંધ છે.

 

(જી.એન.એસ)