(Amit Pandya)
સ્ત્રી એટલે,
જિંદગીનાં રંગમંચ પર
રિહર્સલ વગર દરેક
ભૂમિકા સફળતા પૂર્વક
નિભાવતું ઇશ્વરનું
અદભુત સર્જન…✍️
હું તો ત્યાં સુધી કહું છું કે, ૩૬૫ દિવસ..અને ૨૪ × ૭માં એવી કઈ ક્ષણ છે કે, ઘરના સભ્યો મહિલા વિના ચલાવી શકે..?
ચાહે ‘માં’..’પત્ની’…’બહેન’…’દિકરી’…કે, ‘પ્રેમિકા’ના કોઈ પણ સ્વરૂપે એક સ્ત્રી શક્તિ વિના “ઘરની અને જીવનની કલ્પના કરવી નામૂમકીન છે…” પછી એ મહિલા એક ગૃહિણી હોય કે, નોકરી કરતી આધુનિકા…ખૂદના ઘરની તો એ અન્નપૂર્ણા જ છે, છતાં ઘણીવાર એ અન્નપૂર્ણાને એવું કહેવામાં આવે છે કે, “તારે આખો દિવસ શું કામ હોય છે?…” પણ….હે મૂર્ખ માનવી…તું એ કેમ ભૂલે છે કે, તું જ્યારે – જ્યારે થાક્યો – પાક્યો ઘેર આવે છે ત્યારે હસતાં મોઢે પાણીનો ગ્લાસ આપનારી, ભોજન સમયે ઘરના સભ્યોને ગરમા ગરમ રસોઈ પિરસનારી,બાળકોની તમામ જવાબદારીઓ નિભાવી… ‘માં’, ‘પત્ની’ અને ‘વહુ’ની ત્રેવડી ભૂમિકા નિભાવનારી…એ પણ એક “નારી” છે.
મહિલાઓનુ આદર, સન્માન કરો એટલે ‘માં’ શક્તિને પ્રસન્ન કરવા બરાબર ગણાય છે.
મહિલા ખુદ એક શક્તિ છે, એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એવું કહેવાય છે. જે ઘરમાં સ્ત્રીને લક્ષ્મી સ્વરૂપ માન મળે છે, જે ઘરમાં સ્ત્રીને સાથે રાખીને પૂજા, ધર્મકાર્ય, સામાજિક વ્યવહારો કરાય છે, એ ઘર પૈસાથી જ નહી પણ તન, મન, ધન અને સામાજિક ઈજજતથી ખૂબ સુખી સમૃદ્ધ બની રહે છે.
‘માં’ શક્તિ સ્વરૂપા જન્મદાતા ‘માં’, ‘બહેન’, ‘દિકરી’, ‘પત્ની’ને માન, સન્માન આપો એમના અંતર આત્માની શક્તિ અને દુઆઓ થકી હંમેશા આપણું કલ્યાણ થશે. દુનિયાની કોઈ તાકાત આપણને હરાવી નહીં શકે. સમયની સાથે ચાલો અને સ્ત્રી સશક્તિકરણને વેગ આપો. દિકરીઓને ખૂબ ભણાવો.
“નારી તું નારાયણી”
ઘર અને બહારના કામો હસતે મોઢે અને કશીય ફરિયાદ વિના કરનારી એ પણ એક એવી વ્યક્તિ છે એ જેને કદાચ પોતાની પસંદ નાપસંદ કે, ગમા અણગમાની કોઈ પરવાહ નથી…તેણે સર્વસ્વ સમર્પિત કરી દીધું છે પોતાના પરિવાર માટે…! લગ્ન પછી એક દિકરી “મમ્મી, આજે જમવામાં શું બનાવ્યું છે..?” ના બદલે ” મમ્મી, આજે જમવામાં શું બનાવવું છે..?” એમ પુછતી થઈ જાય છે ..આ છે સ્ત્રી શક્તિ….!
મારે એક ‘દિકરી’…’પત્ની’…અને ‘માં’ હોવાની સાથો સાથ એક “સ્ત્રી” હોવાને લીધે એ જ અભિલાષા છે ને રહેશે…કે માત્ર “વિશ્વ મહિલા દિન”ને દિવસે જ નહીં, બલ્કિ હંમેશા સ્ત્રીઓનું સમ્માન કરો….એ છે તો સમાજ છે…એ નથી તો સમાજ ક્યાંયનો નથી..!
સ્ત્રી એટલે ઇન્દ્રધનુષ માં નો એક રંગ,
સ્ત્રી એટલે ઊગતાં સૂરજનું કિરણ,
સ્ત્રી એટલે આથમતી સંધ્યાની લાલાશ,
સ્ત્રી એટલે પાનખરમાં મળસ્કે બાઝતું ઝાકળ,
સ્ત્રી એટલે વાસંતી વૈભવ
સ્ત્રી એટલે જ અસ્તિત્વનો ઉત્સવ અને
સ્ત્રી એટલે હસતી રમતી ખિસકોલી..!!
આજે એક સત્ય વાત કરવી છે કે, એક મહિલાનું જીવન કેવું હોય છે એક મહિલા જે ઘરને ઘર બનાવી શકે
“વિશ્વ મહિલા દિવસ” પર તમામ મહિલાઓને હાર્દિક શુભકામના
આજે “વિશ્વ મહિલા દિવસ” પર મારે આપને એક સતત કામમાં વ્યસ્ત રહી પોતાના ઘરને ઘર બનાવી લે છે અને તમામ જવાબદારીઓ પોતાના માથે લઈ સતત અન્ય મહિલાઓને પ્રેરણા આપે છે તેવી એક દીકરીની વાત કરવી છે.
ઉત્તર ગુજરાતના નાનકડા ગામમાં એક સામાન્ય ખેડૂતના ઘરે આજથી 35 વર્ષ પહેલા દીકરીનો જન્મ થાય છે ત્યારે આ સામાન્ય ખેડૂતના ઘરે એક તરફ ઘરે લક્ષ્મી પધાર્યા તેમ કહી તેના વધામણા કરવામાં આવે છે. સમયની સાથે સાથે દીકરી મોટી થાય છે અને પરિવારના તમામ સભ્યોને એક સાથે રાખી ભણતરમાં અવ્વલ નંબર લાવી રહી હતી. નાનપણથી ભણતરની સાથે ઘરની જવાબદારીઓ પોતાના માથે લઈ સતત કાર્યરત રહેતી અને ભણતરની સાથે સાથે ઘરની પણ ઘણી બધી જવાબદારીઓ પોતાના માથે લઈ સતત કાર્યરત રહેતી આ દીકરીને પણ પરિવારના તમામ સભ્યોનો સાથ સહકાર પણ સતત મળતો રહ્યો જેથી કરી તે સારા માર્ક સાથે પોતાનો અભ્યાસ પૂરો કરી પરિવારનું નામ રોશન કર્યું.
દીકરી ટાટ (TAT)ની પરીક્ષા અવ્વલ નંબર સાથે પાસ કરી પોતાના જીવનમાં સતત આગળ વધતી રહી અને પોતાનું ઘડતર જેમ તેના માતા પિતા અને પરિવાર દ્વારા કરવામાં આવેલ તેમ અન્ય બાળકોને આવું પોતે ઘડતર અને ભણતર આપી શકે તેના કારણે પોતાને શૈક્ષણિક કાર્યમાં જોડ્યા…સમયની સાથે એક પરિવારને છોડી બીજા પરિવાર સાથે જોડાવાનો સમય આવી ગયો જેથી તેના લગ્ન અમદાવાદના એક મધ્યમ વર્ગના પરિવારમાં થયા.
હવે એક મહિલાની અસલી વાસ્તવિકતાની શરૂઆત થાય છે
એક મુક્ત વાતાવરણથી એક જવાબદારી ભર્યા વાતાવરણ તરફ પ્રયાણ કરે છે અને આ જેને 25 વર્ષની ઉંમર સુધી જાણતી પણ ન હતી તેને હવે પોતાના પહેલા પરિવારને જેમ નિખાર્યું હતું તેનાથી વધુ આ નવા પરિવારને નિખારવાની જવાબદારી માથે લેવાની હતી. આ કાર્ય ફક્ત ને ફકત એક મહિલા જ કરી શકે અને અહીંયાથી શરૂઆત થાય છે એક મહિલાના સંઘર્ષની.
હું જે મહિલાની વાત કરી રહ્યો છું તે મારી વ્હાલી દીકરીની છે….જે પોતાના પરિવારની સાથે આજના આધુનિક સમયમાં પોતાના પતિની સાથે ખભેથી ખભો મિલાવી પોતાની તમામ પ્રકારની ઈચ્છાઓને એક બાજુ મૂકી પરિવાર માટે સતત કાર્યરત રહે છે. તેની જવાબદારીમાં પોતાની બે જોડિયા દીકરીઓ તેના પરિવારના મુખિયા એવા સાસુ સસરા અને પોતાના પતિની સમયસર જરૂરિયાતો પૂરી કરવાની હતી.
તેની સવાર 05.00 વાગે પડે છે. ઘરના નાના મોટા કામ પતાવી તે પોતાના કાર્યક્ષેત્ર એટલે કે, સ્કૂલ તરફ પ્રયાણ કરે છે ત્યાં અનેક બાળકોને પોતાના બાળકો સમજી તેમના ભણતર અને ઘડતરની જવાબદારી નિભાવી રહી છે. સ્કૂલથી બપોરે 12.50 નીકળીને તે 1.00 વાગ્યાથી ટ્યુશન આપવા જવાનું અને આ કાર્ય સાંજના 4.30 વાગ્યા સુધી ચાલુ રહે છે. ત્યારબાદ સવારના 6.30 વાગ્યાથી પોતાના ઘરેથી જવાબદારી સાથે રમવા નીકળેલ દીકરી પોતાની વ્હાલી દીકરી જે જોડિયા છે તેને મળવા 4.45 કલાકે ઘરે પહોંચે છે અને થોડો આરામ કરી ફરી પછી ઘરકામમાં લાગી જાય છે અને ક્યારે રાત પડી જાય છે તેની ખબર પણ નથી પડતી. આ ઘરની તમામ પ્રક્રિયા પૂર્ણ કરતા લગભગ 10 વાગી જાય, હા એક વાત જરૂર છે કે, તેના ‘માં’ સમાન સાસુ અને ‘પિતા’ સમાન સસરાના અને પોતાના પતિના પૂરતા સાથ સહકારથી આટલું વ્યસ્ત જીવન તેના માટે શક્ય બને છે.
આ બધાની વચ્ચે તે પોતાના માટે થોડો પણ સમય કાઢી શકતી નથી પરંતુ પોતાના પરિવાર માટે તમામ પ્રકારની જવાબદારીઓ સતત નિભાવી શકે તે માત્ર ને માત્ર એક મહિલા હોય શકે… એટલે તો કહેવાય ચેબને એક મહિલા જ ઘર ને ઘર બનાવી શકે છે મહિલા વગર તે ખાલી મકાન બની જાય છે.
આજે “વિશ્વ મહિલા દિવસ” પર મારી વ્હાલી દીકરી પૂજા રોનક પટેલને હાર્દિક શુભકામના…
તમામ મહિલાઓને “વિશ્વ મહિલા દિન”ની હાર્દિક શુભકામના….
અમિત પંડ્યા, વસ્ત્રાલ, અમદાવાદ.