Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

લાઈસન્સ હોલ્ડર પાથરણાવાળા તંત્ર સામે ગાંધી ચિંધ્યા માર્ગે લડી લેવાના મૂડમાં : તંત્ર સામે બાંયો ચઢાવી

(અબરાર એહમદ અલવી)

આ મિટિંગ દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી કે, ભદ્ર પ્લાઝામાં ઘણા વર્ષોથી ગરીબ અને મધ્યમ વર્ગના લાયસન્સ ધરાવતા લોકો પોતાની રોજી-રોટી માટે વર્ષોથી કાયદેસર શાંતિ અને ભાઈચારાથી પાથરણા લગાવે છે.

અમદાવાદ,તા.૦૪ 

શહેરના  હાર્દસમા વિસ્તાર એવા ત્રણ દરવાજામાં લાગતો પાથરણા બઝારમાં વારંવાર દબાણ દ્વારા હેરાનગતિ કરવામાં આવતા પાથરણા બઝારના આગેવાનોની એક કમિટી શુક્રવારના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે રજૂઆત કરવા ગયા હતા.

AMC દ્વારા વારંવાર પાથરણાવાળાને હેરાન કરવામાં આવે છે ત્યારે લાઈસન્સ હોલ્ડર પાથરણાવાળા તંત્ર સામે લડી લેવાના મૂડમાં છે. ભદ્ર વિસ્તારમાં ભદ્રથી ત્રણ દરવાજા સુધી કાયદેસરના પાથરણા (લાયસન્સ હોલ્ડર) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષ દ્વારા, તેમજ એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવતા સ્થાનિક પાથરણાવાળાના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

પાથરણા બઝારના સ્થાનિક આગેવાન યુનુસભાઈ શિકારી, સૈયદ હિદાયત ભાઈ, ઈકબાલભાઈ કાજી, સત્તારભાઈ મોમીન, બાદશાહ ભાઈ પઠાણ, હનીફભાઈ કાજી, હુસેનભાઇ પંજાબી તેમજ અન્ય તમામ આગેવાનોએ જમાલપુર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર રફીક શેખને સાથે રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન “સી” બ્લોક ચોથા માળે, પાથરણાવાળાના આગેવાનો દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મિટિંગ દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી કે, ભદ્ર પ્લાઝામાં ઘણા વર્ષોથી ગરીબ અને મધ્યમ વર્ગના લાયસન્સ ધરાવતા લોકો પોતાની રોજી-રોટી માટે વર્ષોથી કાયદેસર શાંતિ અને ભાઈચારાથી પાથરણા લગાવે છે અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. તેમ છતા પાથરણાવાળાઓને શાસક પક્ષ દ્વારા અને એસ્ટેટ વિભાગ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા, મ્યુનિસિપલ કમિશનરને અમે રજૂઆત કરવાનું નક્કી કર્યું  છે. આ અંગે આગામી દિવસોમાં ગરીબ અને મધ્યમ વર્ગના કાયદેસરના પાથરણાવાળાઓના હિત માટે ધારદાર રજૂઆત પણ કરવામાં આવશે. સાથે સાથે જો હેરાન પરેશાન કરવામાં આવશે તો આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ગાંધી ચિંધ્યા માર્ગે દેખાવો પણ કરવામાં આવશે.

આ સિવાય જરૂરી લાગશે તો અમે ભવિષ્યમાં કોર્ટનો આશરો પણ લઈશુ જેમાં AIMIM પાર્ટીના પ્રમુખ સાબીરભાઈ કાબલીવાલા, AIMIM પક્ષના નેતા રફીક શેખ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોંગ્રેસ પાર્ટીના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે પણ કાયદેસરના લાગતા પાથરણાવાળાઓના સમર્થનમાં સાથ આપવા જણાવ્યું હતું. જમાલપુર-ખાડીયા વિસ્તારના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ઈમરાનખેડાવાલાનો પણ સાથ સહકાર લઈ આ અંગે પાથરણાવાળાઓના હિતમાં રજૂઆત કરવા યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તેમજ પટવાશેરીના સ્થાનિક આગેવાનોએ આ બાબતે કાયદેસરના તમામ પાથરણાવાળાઓનો અમારો સાથ અને સહકાર મળી રહેશે.

ભદ્ર પરિસરમાં “સેવા સંસ્થા”ના 372 વેન્ડર્સ તથા “સેલો સંસ્થા”ના  472 વેન્ડર્સ આ સિવાય ભદ્ર પ્રોજેક્ટના બહારના 27 જેટલા પાથરણા અને જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે 6 પાથરણા તે સમયે હાજર ન હતા તેનો સમાવેશ કરીને કુલ્લે 876 પાથરણા લાઇસન્સ ધરાવતા હોવા છતાંય એસ્ટેટ વિભાગ દ્વારા અમને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવે છે.

આ અંગે હાલમાં સેલ્ફ એમ્પ્લો, વુમન એસોસિએશન (સેવા) દ્વારા ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ “write petitions” નંબર PIL નંબર 324 / 2014 તારીખ 9-12- 2014 તથા સેલ્ફ એમ્પ્લોઇડ લેબર ઓર્ગેનાઈઝેશન યુનિયન દ્વારા PIL નંબર 211/ 2014 થી દાખલ કરવામાં આવી હતી. નામદાર ગુજરાત હાઇકોર્ટના ડાયરેક્શન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના એડવોકેટશ્રીના માર્ગદર્શન મુજબ અત્રેથી 10-8 -2015ના રોજ વેન્ડર્સનું ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા સુધીના “ભદ્ર પ્લાઝા” વિસ્તારમાં સ્થળ વેરિફિકેશનનું આયોજન કારંજ પોલીસ સ્ટેશનથી પોલીસની મદદ મેળવી તથા અત્રેના ખાતાના સ્ટાફથી આદેશ અનુસાર 31-8- 2015ના રોજ બે ટીમ કરી વેરિફિકેશન કરતા સેવા સંસ્થાના અને શેલો સંસ્થાના કુલ 876 પાથરણા મળી આવેલ. જે અંગે મ્યુનિસિપલ કમિશનર શ્રીની મળેલી મંજૂરી અનુસાર સામેલ નકશા મુજબ પટ્ટા પાડી એડ્રેસ માટે જગ્યા માર્ક કરવામાં આવી હતી. જગ્યા તથા તે બાબતની જાણ સેવા અને સેલો સંસ્થાન અને તારીખ 12-7-2017 ના રોજ પત્ર લખી વેન્ડર્સની વિગતોની જરૂરી પૂર્તતા પાઠવવા તથા તે માર્ક કરેલ જગ્યામાં વેન્ડર્સને બેસાડવા માટે જણાવ્યું હતું. આ તમામ બાબતની વિગતો સામેલ કરી નામદાર ગુજરાત હાઇકોર્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એફિડેવિટ પણ સબમિટ કરેલ છે. જે અંતર્ગત બંને સંસ્થાને વેન્ડર્સની જરૂરી વિગતો પૂરી પૂરા રજૂ કરવા પણ તાકીદ કરેલ છે.

ભદ્ર પ્લાઝા પરિસરમાં ‘સેવા’ સંસ્થાના અને ‘સેલો’ સંસ્થાના વેન્ડર્સને નકશામાં જણાવ્યા મુજબ જગ્યા માર્ક કરેલ છે તે જગ્યાએ જ ફેરિયાઓ બેસી ધંધો કરે છે તથા દિવસ પૂરો થયા બાદ જગ્યા ખાલી કરવાની રહે છે તેમજ પબ્લિક કોમન પાર્કિંગ તથા જાહેર રસ્તા જાહેર જનતાની સગવડતા અને અવરજવર માટે ખુલ્લું રાખવાનું થાય છે જેનું પાલન પાથરણાવાળાઓ પૂરી તકેદારીથી કરે છે.