Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ સૂફીવાદ

ગુજરાતના મહાન સૂફીસંત “હઝરત શાહેઆલમ બુખારી” (રેહ્મતુલ્લાહ અલૈહ)ની દરગાહ પર લાડુ વિતરણનો પ્રોગ્રામ યોજાયો

લાડુ વિતરણના કાર્યક્રમ બાદ ગુજરાત સહિત સમગ્ર  દેશમાં હિંદુ-મુસ્લિમ કૌમી એકતા, શાંતિ, સલામતી અને ભાઈચારો જળવાઈ રહે તથા લોકો ખુશહાલ રહે તેવી દુઆ કરવામાં આવી હતી. 

અમદાવાદ,તા.3

શહેરના શાહેઆલમ દરગાહ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇસ્લામી મહિનો  ‘જમાદિલ આખર’નો ચાંદ દેખાતા લાડુ વિતરણનો પ્રોગ્રામ યોજાયો હતો. હઝરત સૈયદ મુહમ્મદ સિરાજુદ્દીન શાહેઆલમ બુખારી (રેહ્મતુલ્લાહ અલૈહ)નું મુબારક નામ સૈયદ મુહમ્મદ છે. આપ હઝરત કુતબે આલમ (રેહ્મતુલ્લાહ અલૈહ)ના મઝલા (વચેટ)ના પુત્ર છે. આપ હઝરત જહાનિયા જહાંગશ્ત (રેહ્મતુલ્લાહ અલૈહ)ના વંશજમાંથી છે.

સરકાર શાહે આલમ (રેહ્મતુલ્લાહ અલૈહ) દરગાહ શરીફના 566માં ઉર્સ મુબારકની શરૂઆત થતાં આ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ લાડુ વિતરણનો પ્રોગ્રામ શરૂ થયો છે. જેમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેન ડોક્ટર મોહસીન લોખંડવાલા, ગુજરાત રાજ્ય હજ કમિટીના ડાયરેક્ટર નાહીન કાજી, ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ વસીમ શેખ, અય્યુબ ખાન, આસિફભાઇ, વહીવટદાર જી.એચ. ખાન, મદદનિશ વહીવટદાર ફારૂક કંસારા અને રીઝવાન કાદરી બાપુ સાથે મોટી સંખ્યામાં અકિદતમંદો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે  અમદાવાદ, ગુજરાત સહિત સમગ્ર  દેશમાં હિંદુ-મુસ્લિમ કૌમી એકતા, શાંતિ, સલામતી અને ભાઈચારો જળવાઈ રહે તથા લોકો ખુશહાલ રહે તેવી દુઆ કરવામાં આવી હતી.