રાજકોટમાં પત્નીએ પતિને કિડની આપી પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું
રાજકોટ,
કપલ એકબીજાને પ્રેમ અને જીવનભરના સાથના વચન તો ઘણા આપે છે. પરંતુ ખરા અર્થમાં પ્રેમ શું છે તે રાજકોટના શાલીનીબેને સાબિત કરી બતાવ્યું છે. ૨૫ વર્ષના લગ્નજીવન દરમિયાન દરેક સુખ-દુઃખમાં સાથ આપનાર પત્ની મરણપથારીએથી પતિને પરત લાવી શકે છે તે વાત ફરી એકવાર સાબિત થઈ છે.
રાજકોટના આ પતિ-પત્ની હકીકતમાં વેલેન્ટાઇન્સ ડે પર પ્રેમનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે. રાજકોટમાં રહેતા ૪૯ વર્ષીય કૃષ્ણકુમાર સિંગલને વર્ષ ૨૦૧૬થી કિડનીની સમસ્યા હતી. કિડની તકલીફ વધતી ગઈ અને વર્ષ ૨૦૨૧થી તેમને ડાયાલિસિસ કરાવવું પડતું હતું. કિડનીની સમસ્યાના કારણે પતિની તકલીફ દિવસેને દિવસે વધી રહી હતી. ધીરે ધીરે પતિની પીડા પણ વધતી ગઈ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની પરિસ્થિતિ સર્જાઈ. કિડની ડોનર માટે તેમણે નામ પણ નોંધાવ્યું પરંતુ ૬ મહિના સુધી કોઈ ડોનર મળ્યા નહીં. ત્યારબાદ સૌથી પહેલા કૃષ્ણ કુમારના માતાએ દીકરાને કિડની આપવાનું નક્કી કર્યું પરંતુ તેમની ઉંમરના કારણે ઓપરેશન શક્ય ન બન્યું.
આ દરમિયાન શાલીનીબેન નક્કી કરી ચુક્યા હતા કે, તે હવે વધારે સમય નહીં ગુમાવે અને પતિને પોતે જ કિડની આપશે. શાલીનીબેને પોતાના ટેસ્ટ કરાવ્યા જેમાં જાેગાનુજાેગ કિડની મેચ પણ થઈ ગઈ. ડોક્ટરો તરફથી શાલીનીબેનની કિડની પતિ કૃષ્ણકુમારને ડોનેટ કરી શકાય તે માટેની બધી જ પ્રક્રિયા કરવામાં આવી અને તાજેતરમાં જ પતિ-પત્નીનું કિડની ટ્રાંસપ્લાંટનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું.
આમ વેલેન્ટાઈન ડે પર પત્નીની કિડની વડે પતિને નવું જીવન મળ્યું. લગ્ન પછી જેને દિલ દીધું તે વ્યક્તિનું જીવન કિડની આપી પત્નીએ બચાવ્યું. આ અંગે શાલીનીબેનનું કહેવું છે કે, “જાે પત્ની તરીકે હું જ પતિને કિડની આપી શકતી હોવ તો શા માટે ન કરું, જાે હું તેમના માટે કિડની ન આપું તો બીજું કોણ આપે..”
આ સાથે જ તેમણે અન્ય લોકોને અંગદાન અંગે જાગૃત કરતાં જણાવ્યું હતું કે, “અંગદાનને લઈ જે ગેરમાન્યતા છે તેને દુર કરી અંગદાનને પ્રોત્સાહન આપવું જાેઈએ કારણ કે, તેનાથી કોઈને નવજીવન મળે છે અને એક પરિવારનો માળો વિખરાતો બચે છે.
(જી.એન.એસ)