આ પહેલા નેતન્યાહુએ ઈઝરાયેલના પ્રતિનિધિમંડળની અમેરિકાની મુલાકાત રદ્દ કરી દીધી હતી.
ગાઝા,તા.૩૦
ગાઝામાં યુદ્ધવિરામની આશા ફરી એક વાર વધી રહી હોય તેવું લાગે છે. રમઝાન મહિના દરમિયાન યુદ્ધવિરામ હાંસલ કરવાના પ્રયાસો નિષ્ફળ ગયા છે, પરંતુ ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે શુક્રવારે જાહેરાત કરી હતી કે, તેઓ ઇઝરાયેલના બંધકોને મુક્ત કરવા અને ગાઝામાં સંભવિત યુદ્ધવિરામ કરાર માટે વાટાઘાટો કરવા માટે કામ કરી રહ્યા છે.
ઇજિપ્ત અને કતારમાં તેમના પ્રતિનિધિમંડળને મોકલવા માટે સંમત થયા છે. આ પહેલા નેતન્યાહુએ ઈઝરાયેલના પ્રતિનિધિમંડળની અમેરિકાની મુલાકાત રદ્દ કરી દીધી હતી. તેમણે આવું ત્યારે કર્યું જ્યારે અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં યુદ્ધવિરામ પર વોટિંગમાં વીટો પાવરનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. નેતન્યાહુએ દોહા અને કૈરોમાં વાટાઘાટો કરવા ઇઝરાયલી ગુપ્તચર એજન્સીઓ શિન બેટ અને મોસાદ તરફથી પ્રતિનિધિમંડળ મોકલવાની મંજૂરી આપી છે.
તાજેતરના યુએન સુરક્ષા પરિષદના ઠરાવમાં તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરવામાં આવી હોવા છતાં, હમાસ અને ઇઝરાયેલ વચ્ચે સંઘર્ષ ચાલુ છે. બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. અગાઉની યુદ્ધવિરામ વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ કતારે કહ્યું હતું કે, ગાઝા યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટે હજુ પણ વાતચીત ચાલી રહી છે. યુદ્ધવિરામ માટે સહમત ન થવા બદલ ઇઝરાયલના પીએમ વિરુદ્ધ ખુદ ઇઝરાયલમાં ઘણા પ્રદર્શનો થયા છે. તમને જણાવી દઈએ કે, યુદ્ધ શરૂ કરવાની જાહેરાત કરતી વખતે ઈઝરાયેલે કહ્યું હતું કે, ગાઝામાં હમાસને ખતમ કરવા અને બંધકોને દેશમાં પરત લાવવા માટે આ ઓપરેશન શરૂ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ સુધી ઈઝરાયેલ બેમાંથી એક પણ મિશન પૂર્ણ કરી શક્યું નથી ન તો તમામ બંધકો ઇઝરાયલ પરત ફર્યા અને ન તો ઇઝરાયેલી સેના ગાઝામાંથી હમાસને સંપૂર્ણ રીતે ખતમ કરી શકી.
(જી.એન.એસ)