Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા સાત લોકો ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ, બ્રિટન, પેલેસ્ટાઈન, અમેરિકા અને કેનેડાના નાગરિક

ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે પુષ્ટિ આપી હતી કે, ૪૩ વર્ષીય ફ્રેન્કકોમ માર્યા ગયેલા લોકોમાં સામેલ છે અને ઇઝરાયેલી સરકારને આ ઘટનાની સંપૂર્ણ જવાબદારી લેવાની માંગ કરી છે.

ગાઝા,તા.૦૩
ગાઝામાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં વર્લ્ડ સેન્ટ્રલ કિચનના છ આંતરરાષ્ટ્રીય સહાય કર્મચારીઓ માર્યા ગયા હતા, જેમાં ભારતીય મૂળની મહિલા લાલજાવમી ફ્રેન્કકોમનો પણ સમાવેશ થાય છે.

ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે પુષ્ટિ આપી હતી કે, ૪૩ વર્ષીય ફ્રેન્કકોમ માર્યા ગયેલા લોકોમાં સામેલ છે અને ઇઝરાયેલી સરકારને આ ઘટનાની સંપૂર્ણ જવાબદારી લેવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, વર્લ્ડ સેન્ટ્રલ કિચનના છ આંતરરાષ્ટ્રીય સહાય કાર્યકરો યુદ્ધગ્રસ્ત ગાઝા વિસ્તારમાં લોકોને રાહત આપવા માટે સ્વૈચ્છિક સેવા આપી રહ્યા છે. તે લોકો આ યુદ્ધમાં માર્યા ગયા તે સ્વીકારી શકાય નહીં. અમે આ માટે સંપૂર્ણ જવાબદારીની માંગ કરીએ છીએ.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ઓસ્ટ્રેલિયન પિતા અને મિઝો માતાના ઘરે જન્મેલી ફ્રેન્કકોમ યુદ્ધગ્રસ્ત ઉત્તર ગાઝાના લોકોને રાહત આપવાના મિશન પર કામ કરી રહી હતી, પરંતુ સોમવારે મોડી રાત્રે તેના કાફલા પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં તેનું મોત થઈ ગયું. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ કબૂલ્યું હતું કે, આ હુમલો ઈઝરાયલી દળો દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલામાં માર્યા ગયેલા સાત લોકો ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ, બ્રિટન, પેલેસ્ટાઈન, અમેરિકા અને કેનેડાના નાગરિકો છે.

 

(જી.એન.એસ)