ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઇજા થતા ટી-20 વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયો
મોહમ્મદ સિરાજનો ભારતીય ક્રિકેટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બેક સ્ટ્રેસ ફેક્ચરને કારણે ટી-20 વર્લ્ડકપની બહાર થઇ ગયો છે. તેની જગ્યાએ મોહમ્મદ સિરાજને તક મળી છે. દક્ષિણ આફ્રિકા સામે ટી-20 સીરિઝ માટે જસપ્રીત બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જસપ્રીત બુમરાહનું સ્થાન લેવા માટે મોહમ્મદ શમી, દીપક ચહર, મોહમ્મદ સિરાજ જેવા બોલર રેસમાં હતા. અંતે પસંદગીકારોએ સિરાજને મહત્વ આપ્યુ હતુ. ફાસ્ટ બોલર સિરાજનું તાજેતરનું ફોર્મ શાનદાર રહ્યુ છે અને તે લયમાં જોવા મળી રહ્યો છે. સિરાજ આ મહિને વાર્વિકશાયર માટે પોતાનું કાઉન્ટી ડેબ્યૂ કર્યુ હતુ, જ્યા તે પોતાના પ્રદર્શનથી છવાઇ ગયો હતો.
દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટી-20 માટે ભારતીય ક્રિકેટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક, આર.અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, દીપક ચહર, ઉમેશ યાદવ, શ્રેયસ અય્યર, શાહબાજ અહમદ, મોહમ્મદ સિરાજ
જસપ્રીત બુમરાહને થયેલી ઇજા ગંભીર છે અને તે ક્રિકેટના મેદાનમાંથી 6 મહિના દૂર રહી શકે છે. પીટીઆઇએ બીસીસીઆઇના સૂત્રોના હવાલાથી જસપ્રીત બુમરાહના ટી-20 વર્લ્ડકપની બહાર થવાની પૃષ્ટી કરી છે.
બુમરાહની ઇજાએ ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધાર્યુ
જ્યારથી ટી-20 વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત થઇ છે ત્યારથી ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધી રહ્યુ છે. પહેલા રવિન્દ્ર જાડેજા ઇજાને કારણે વર્લ્ડકપની બહાર થયો હતો અને તેનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નહતો. દીપક હુડ્ડાને પણ ઇજા થઇ છે, જેને કારણે તે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટી-20 સીરિઝમાંથી બહાર થઇ ગયો છે અને હવે જસપ્રીત બુમરાહને ઇજા થતા તે ટી-20 વર્લ્ડકપની બહાર થઇ ગયો છે.
બુમરાહની જગ્યાએ કોણ?
જસપ્રીત બુમરાહનું ટી-20 વર્લ્ડકપની બહાર થવુ ભારત માટે મોટો ઝટકો છે. દીપક ચહર અને મોહમ્મદ શમી સ્ટેન્ડબાય ખેલાડીઓનો ભાગ છે. એવામાં તેમનામાંથી કોઇ એકને મેન સ્કવોર્ડમાં સામેલ કરવામાં આવી શકે છે. આઇસીસી નિયમ અનુસાર, 15 ઓક્ટોબર સુધી ટીમ ઇન્ડિયા ટી-20 વર્લ્ડકપની મેન ટીમમાં બદલાવ કરી શકે છે.