Honey Trap : યુવતીએ પહેલાં વાડીમાં લઈ જઈ શરીર સંબંધ બાંધવાની વાત કરી, પછી હનીટ્રેપમાં ફસાવી ૨૩.૫૦ લાખ પડાવી લીધા
મોરબી,
સોશિયલ મીડિયા મારફતે વેપારીઓ માલેતુજારને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવતી અસંખ્ય ટોળકીઓ કાર્યરત છે. ત્યારે મોરબીનાં લેબર કોન્ટ્રાકટરને યુવતીએ પ્રેમજાળમાં ફસાવી ખોડલધામ મંદિર મળવા બોલાવ્યા બાદ વાડીમાં લઈ જઈ શરીર સંબંધ બાંધવાની વાત કરી હતી. આ વખતે બાઈક પર આવેલા ચાર શખ્સોએ વેપારીને માર મારી બળાત્કારના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી આંગળીયા મારફતે ૨૩.૫૦ લાખ મંગાવી પડાવી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, મોરબીનાં કેનાલ રોડ પર ગંગાદર્શન એપાર્ટમન્ટમાં રહેતા અને સિરામીક કંપનીમાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતાં ભરતભાઈ ભીખાભાઈ કારોલીયા (ઉ.૫૦)એ સુલતાનપુર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ક્રિષ્ના નામની યુવતી અને તેની સાથેના ચાર અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે એક મહિના પહેલા આરોપી યુવતીએ ફરિયાદીને તેના મોબાઈલ ફોન પર ફોન કર્યો હતો તે વખતે ફરિયાદીએ રોંગ નંબર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ અનેક વખત ફરિયાદી સાથે ફોન પર વાત કરી વેપારીને યુવતીએ પ્રેમજાળમાં ફસાવ્યો હતો. ગત તા.૪-૩-૨૦૨૪ના સવારે ફરિયાદીને ફરી આરોપીએ ફોન કરી ખોડલધામ મંદિરે મળવા માટે બોલાવ્યો હતો. ફરિયાદી વેપારી પોતાની કાર લઈ મોરબીથી ખોડલધામ આવ્યો હતો. આ વખતે આરોપી યુવતીએ તેને થોડીવાર કારમાં બેસાડી બાદમાં યુવતી પણ કારમાં બેસી ગઈ હતી અને કાર ગામડાઓના રસ્તે લઈ જઈ વાડીમાં લઈ ગયા હતા. વાડીમાં યુવતીએ વેપારીને પોતાની સાથે શરીર સંબંધ બાંધવાનું કહ્યું હતું. પરંતુ વેપારીએ ના પાડી હતી. આ વખતે અગાઉથી જ ઘડાયેલા કાવતરાના ભાગરૂપે બાઈકમાં ચાર શખ્સો વાડીએ ધસી આવ્યા હતાં. વેપારીને બળાત્કારના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. આરોપીઓએ વેપારીને તેની જ કારમાં સાંજ સુધી જુદા જુદા સ્થળે ફેરવ્યો હતો અને બાદમાં આંગડીયા મારફતે ૨૩.૫૦ લાખ મોરબીથી મંગાવ્યા હતાં. જે રકમ ગોંડલ માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ આંગડીયા પેઢીમાં મંગાવવામાં આવી હતી. ગોંડલ માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ આંગડીયા પેઢીમાંથી ૨૩.૫૦ લાખ બળજબરીથી મંગાવ્યા બાદ આરોપીઓ વેપારીને ગોંડલ યાર્ડ પાસે જ છોડી નાસી ગયા હતાં.
આ બનાવ અંગે વેપારીએ અંતે સુલતાનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાવતરું ઘડી હનીટ્રેપ અને બળજબરીથી પૈસા પડાવવા અંગેનો ગુનો નોંધી વિશેષ તપાસ પીએસઆઈ આર.જે. જાડેજા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.
(જી.એન.એસ)