Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

હમાસે ફરી એકવાર ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો

ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે, ગાઝાના દક્ષિણી શહેર રફાહથી મધ્ય ઇઝરાયેલ તરફ ઓછામાં ઓછા આઠ રોકેટ છોડવામાં આવ્યા હતા.

તા.૨૬

હમાસની સશસ્ત્ર પાંખ અલ-કાસમ બ્રિગેડે કહ્યું કે, તેમના દ્વારા તેલ અવીવ પર મોટો મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલી સૈન્યએ પણ સંભવિત ઇનકમિંગ રોકેટ વિશે લોકોને ચેતવણી આપવા માટે શહેરમાં સાયરન વગાડ્‌યું હતું. ગયા વર્ષે ઓક્ટોબરની શરૂઆતમાં હમાસએ ઇઝરાયેલ પર અચાનક હુમલો કર્યો હતો, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા. આ પછી ઇઝરાયલે હમાસ સામે જવાબી કાર્યવાહી કરી અને બંને વચ્ચે યુદ્ધ શરુ થયું હતું.

રવિવારે તેની ટેલિગ્રામ ચેનલ પર એક નિવેદનમાં, અલ-કાસમ બ્રિગેડે જણાવ્યું હતું કે, નાગરિકો વિરુદ્ધ ઝિઓનિસ્ટ નરસંહારના જવાબમાં રોકેટ છોડવામાં આવ્યા હતા. હમાસ અલ-અક્સા ટીવીનું કહેવું છે કે, રોકેટ ગાઝા પટ્ટીમાંથી છોડવામાં આવ્યા હતા. તેલ અવીવમાં છેલ્લા ચાર મહિનાથી રોકેટ સાયરન સંભળાતા ન હતા. જો કે, ઇઝરાયેલી સૈન્યએ તરત જ સાયરનનું કારણ જાહેર કર્યું ન હતું.

ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે, ગાઝાના દક્ષિણી શહેર રફાહથી મધ્ય ઇઝરાયેલ તરફ ઓછામાં ઓછા આઠ રોકેટ છોડવામાં આવ્યા હતા. સેનાએ કહ્યું કે, ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા ઘણી મિસાઇલોને તોડી પાડવામાં આવી છે. મહિનાઓમાં પ્રથમ વખત, તેલ અવીવમાં રોકેટ સાયરન્સ સંભળાય છે અને ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટ સાંભળવામાં આવ્યા છે.

ઑક્ટોબર ૭ના રોજ દક્ષિણ ઇઝરાયેલ પર હમાસના હુમલા પછી ગાઝામાં યુદ્ધ ફાટી નીકળ્યું હતું, જેના પરિણામે ઇઝરાયેલના સત્તાવાર આંકડાઓ અનુસાર, ૧,૧૭૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં મોટાભાગના નાગરિકો હતા. હમાસે ગાઝામાં ૧૨૧ સહિત ૨૫૨ લોકોને બંધક બનાવ્યા હતા, જેમાંથી ૩૭ સૈન્ય અનુસાર માર્યા ગયા હતા. તે જ સમયે, ઇઝરાયેલના જવાબી હુમલામાં ગાઝામાં ઓછામાં ઓછા ૩૫,૯૮૪ લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગે નાગરિકો હતા.

 

(જી.એન.એસ)