Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત અમદાવાદ

ગુજરાતમાં આગામી ૭ દિવસ ભારે વરસાદની આગાહી : દક્ષિણ ગુજરાતમાં ફરીવાર એલર્ટ જાહેર

આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં ૨૦ ટકા વધુ વરસાદ થયો- હવામાન વિભાગ

રિપોર્ટ અનુસાર આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં ૨૦ ટકા વધુ વરસાદ થયો છે. જાેકે, આ બાબતે અમદાવાદ થોડું પાછળ રહી ગયું, અહીં સામાન્ય કરતાં ૮ ટકા ઓછો વરસાદ થયો છે.

અમદાવાદ, તા. ૩
ગુજરાતના તમામ જિલ્લાઓમાં બરાબર ચોમાસું જામ્યું છે. છેલ્લા ઘણા દિવસથી રાજ્યના અમુક જીલ્લામાં તો અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગામી સાત દિવસ માટે મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ ૬૧ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં ૮૬ ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં ૭૬, દ.ગુજરાતમાં ૭૩ ટકા, ઉ.ગુજરાતમાં ૪૫, મધ્ય ગુજરાતમાં ૪૪ ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં રવિવારે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાઠા, દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે સુરત, નવસારી, તાપીમાં અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. ૫ ઓગસ્ટે વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદ પડશે તેમ જણાઈ રહ્યું છે. આગામી ૩ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. ૪, ૫ અને ૬ ઓગસ્ટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૨ તાલુકામા વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વાપીમાં પોણા ૭ ઇંચ વરસાદ નોંધાયો છે. કપરાડામાં ૬ ઇંચથી વધુ વરસાદ, પારડી, ધરમપુરમાં ૪ ઇંચથી વધુ વરસાદ, ઉમરગામમાં પોણા ૪ ઇંચથી વધુ વરસાદ, જામનગરના જાેડીયામાં ૨ ઇંચથી વધુ વરસાદ, છોટા ઉદેપુર, નવસારીમાં ૨-૨ ઇંચ વરસાદ, ખેરગામ, જલાલપોરમાં ૨-૨ ઇંચ વરસાદ, વાલોડ અને બારડોલીમાં ૨-૨ ઇંચ વરસાદ, સોનગઢ, ડાંગ અહવામાં ૨-૨ ઇંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં આખો જુલાઈનો મહિનો વરસાદના નામે રહ્યો છે. જુલાઈના આખા મહિનામાં ગુજરાતના અલગ-અલગ ભાગોમાં ખૂબ વરસાદ થયો છે. તાજેતરમાં હવામાન વિભાગ તરફથી એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં ૨૦ ટકા વધુ વરસાદ થયો છે. જાેકે, આ બાબતે અમદાવાદ થોડું પાછળ રહી ગયું, અહીં સામાન્ય કરતાં ૮ ટકા ઓછો વરસાદ થયો છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ મોસમનો સૌથી વધુ વરસાદ થયો, જે ૭૫ ટકા વધુ છે. રાજ્યના ૩ જિલ્લા તો એવા છે જ્યાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ થઈ રહ્યો છે.

 

(જી.એન.એસ)