Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગે પણ આગામી ૨૩મીથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરી

અમદાવાદ,તા.૨૨
વરસાદના અભાવે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. બે દિવસને બાદ કરતા અત્યાર સુધીમાં જૂન મહિનાના તમામ દિવસોમાં ૪૦થી ૪૧ ડિગ્રી ગરમી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૧૬ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ બોટાદના રાણપુરમાં એક ઈંચ વરસ્યો હતો. જાે કે, રાજ્યમાં બે દિવસ પછી પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે.

સોમવારથી રાજ્યમાં હળવા વરસાદની શક્યતા રહેશે. વાદળછાયા વાતાવરણના કારણે હાલ બફારાનો અનુભવ થઈ રહ્યો છે. ચોમાસું દક્ષિણ ગુજરાત પહોંચી ગયા પછી ત્યાં જ સ્થિર થયું છે. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી તો થઈ, પરંતુ ચોમાસું કેમ કરીને દક્ષિણ ગુજરાતથી આગળ વધતુ જ નથી. ગુજરાતના બાકીના જિલ્લાઓ વરસાદની કાગડોળે રાહ જાેઈ રહ્યાં છે, ત્યારે એક આનંદના સમાચાર આવ્યા છે.

હવામાન આગાહીકાર અંબાલાલની વરસાદને લઇને મોટી આગાહી આવી છે. તેમણે ભવિષ્યવાણી કરી છે કે, ૨૩ જુન બાદ ગુજરાતમાં વરસાદ આવશે. ૨૮થી ૩૦ જુન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો બીજી તરફ, હવામાન વિભાગે પણ આગામી ૨૩ મીથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. જાે કે, હાલ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં પવનની ગતિ ૪૦થી ૪૫ કીમી પ્રતિ કલાકની રહેશે, જેમાં વાવાઝોડા જેવા પવનનો અહેસાસ થશે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ચોમાસું હજુ પણ નવસારીમાં જ અટક્યું છે. સાયક્લોનિક સર્ક્‌યુલેશનના કારણે વરસાદની આગાહી આવી રહી છે. પરંતું આવનારા ૨ દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે.

આ સાથે ૨૩ જૂનના દિવસે બનાસકાંઠા ,સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની આગાહી કરી છે. ૨૪, ૨૫ અને ૨૬ જુને વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, રાજ્યના ખેડૂતો માટે અગામી ૪૮ કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કાચા મકાનોના છાપરા ઊડી જાય તેવા પવન ફૂંકાશે. ૨૧ થી ૨૫ જુન રાજ્યમાં સાવર્ત્રિક મેઘમહેર જાેવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૨થી ૪ ઇંચ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે.

તેમણે કહ્યું કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, લાઠી, બાબરા, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત પેટલાદ, કપડવંજ, મહેસાણા, ખંભાત, તારાપુર, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી છે. ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ આદ્રા નક્ષત્રમાં પડશે. આદ્રા નક્ષત્રમાં પડનાર વરસાદ ખૂબ સારો ગણાય છે.

 

(જી.એન.એસ)