Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

ગાઝામાં હમાસના ટાર્ગેટ પર હુમલો કરીને ઈઝરાયેલને ત્રણ દેશો દ્વારા જોરદાર ફટકો

નોર્વે, આયર્લેન્ડ અને સ્પેને પેલેસ્ટાઈનને માન્યતા આપવાની જાહેરાત કરી

ઈઝરાયેલના વિદેશ મંત્રી ઈઝરાયેલ કાત્ઝે આ દેશોના આ વલણ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે.

મેડ્રિડ/ઓસ્લો, તા. ૨૨ 
નોર્વે, આયર્લેન્ડ અને સ્પેન જેવા ત્રણ દેશોએ પેલેસ્ટાઈનને માન્યતા આપવાની જાહેરાત કરી છે. નોર્વેના પીએમ જોનાસ ગાર સ્ટોરે કહ્યું કે, તે ઈઝરાયેલના હિતમાં પણ છે કે, બે-રાજ્ય ઉકેલ હાંસલ કરવામાં આવે. મતલબ કે, ઈઝરાયેલને પણ એક દેશ તરીકે માન્યતા આપવી જોઈએ અને તે જ રીતે ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠે વિભાજિત પેલેસ્ટાઈનને પણ એક દેશ તરીકે માન્યતા આપવી જોઈએ. તેનાથી વિવાદનો અંત આવશે અને પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપિત થશે. નોર્વેના પીએમના નિવેદન બાદ હવે સ્પેન અને આયર્લેન્ડે પણ આવા જ સંકેત આપ્યા છે.

નોર્વેના પીએમ કહે છે કે, અમે ૨૮ મેના રોજ પેલેસ્ટાઈનને માન્યતા આપીશું. તેમણે કહ્યું કે, જો આપણે પેલેસ્ટાઈનને માન્યતા નહીં આપીએ તો મધ્ય પૂર્વમાં શાંતિ નહીં રહે. નોર્વેની જાહેરાત બાદ તરત જ આયર્લેન્ડના પીએમ સિમોન હેરિસે કહ્યું કે, તેમનો દેશ પણ પેલેસ્ટાઈનને માન્યતા આપશે. મીડિયા સાથે વાત કરતા હેરિસે કહ્યું, ‘આજે આયર્લેન્ડ, નોર્વે અને સ્પેને પેલેસ્ટાઈનને માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે. પેલેસ્ટાઈનને માન્યતા આપવા માટે શું પગલાં ભરવાની જરૂર છે તે આપણે સૌ જોઈશું. તેમણે કહ્યું કે, અમને વિશ્વાસ છે કે, કેટલાક વધુ દેશો અમારી સાથે જોડાશે અને પેલેસ્ટાઈનને માન્યતા આપવામાં આવશે. આગામી થોડા અઠવાડિયામાં જ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે.

સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે બુધવારે કહ્યું કે, અમારી કેબિનેટની બેઠક ૨૮ મેના રોજ યોજાશે. આ દિવસે અમે પેલેસ્ટાઈનને અલગ દેશ તરીકે માન્યતા આપવાનો ઠરાવ પસાર કરીશું. ઈઝરાયેલના વિદેશ મંત્રી ઈઝરાયેલ કાત્ઝે આ દેશોના આ વલણ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. જેના કારણે રાજદ્વારી સંબંધો પણ બગડ્‌યા છે.

આ નિર્ણયની જાણ થયા બાદ ઈઝરાયેલે આયર્લેન્ડ અને નોર્વેના તેના રાજદૂતોને તાત્કાલિક પરત ફરવાનો આદેશ આપ્યો છે. ઈઝરાયેલે આ ત્રણ દેશોના નિર્ણય સામે વાંધો વ્યક્ત કર્યો અને કહ્યું કે, આનાથી ઉગ્રવાદ અને અસ્થિરતા વધશે. ઈઝરાયેલના મંત્રીએ કહ્યું કે, આ પગલું હમાસના પંજામાં ફસાઈ જવા જેવું છે.

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલ દ્વારા ગાઝા પર સતત હુમલા થઈ રહ્યા છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં ૩૫ હજારથી વધુ લોકો માર્યા ગયા છે. હમાસે ગયા વર્ષે ૬ ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ત્યારથી બંને વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે.

 

(જી.એન.એસ)