દીકરો કેનેડા જઈને માં-બાપને ભૂલી ગયો
એક તરફ દીકરાએ મોઢું ફેરવી લીધું બીજી તરફ વૃદ્ધ અવસ્થાને કારણે દેવું ચૂકવી શકાય તેવી સ્થિતિ ન હતી.
સુરત,
સુરત શહેરમાં ખૂબ હ્રદયદ્રાવક અને ચોંકવનારી ઘટના બની હતી જેમાં દીકરાના કારણે માતા પિતાએ જીવન ટૂંકાવું પડ્યું છે. દીકરાનું દેવું ચૂકવવા વૃદ્ધ પિતાએ ૩૮ લાખ રૂપિયાનું દેવું પણ કર્યું હતું. દીકરાનું દેવું ચૂકવાઇ ગયું હતું. જો કે, દીકરો કેનેડા જઈને માં-બાપને ભૂલી ગયો અને દેવું પણ ચૂકવવાનો ઇનકાર કર્યો. પુત્રના વર્તનને લઈ દંપતીને ખોટું લાગી આવ્યું હતુ અને આખરે જીવન ટૂંકાવી દીધું.
ચુનીભાઇ ગેડિયા નામના વૃદ્ધે પોતાના પુત્ર પિયુષને કેનેડા મોકલવા અને પિયુષની ઉપર થઈ ગયેલું દેવું ચૂકવવા માટે પોતાના પાસેના દાગીના રોકડ રકમ તો આપી દીધી હતી. પરંતુ સગા સંબંધીઓ પાસેથી વ્યાજે રૂપિયા પણ લઈ આવ્યા હતા. દીકરો કેનેડા જશે અને કમાઈને આ દેવું ચૂકવશે એવી તેમને આશા અપેક્ષા હતી. પરંતુ દીકરો કેનેડા જઈને માં-બાપને ભૂલી ગયો. એટલું જ નહીં રૂપિયા પણ ચૂકવ્યા નહીં. થોડા સમય પહેલા પિયુષ તેની પત્ની પાયલ અને દીકરો ક્રિશ ત્રણે કેનેડાથી સુરત આવ્યા હતા. ત્યારે પણ માતા-પિતાને મળવાની દરકાર કરી ન હોવાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં ચુનીભાઇ ગેડીયાએ કર્યો છે.
એક તરફ દીકરાએ મોઢું ફેરવી લીધું બીજી તરફ વૃદ્ધ અવસ્થાને કારણે દેવું ચૂકવી શકાય તેવી સ્થિતિ ન હતી. તેને પગલે આ દંપતીએ આપઘાત કરી લીધો છે. જો કે, આપઘાત કરનાર વૃદ્ધ ચુનીભાઇ ગેડિયાએ પોતાની જુદી જુદી પાંચ સુસાઇડ નોટમાં એક વાતનો અનેકવાર ઉલ્લેખ કર્યો હતો.
ચુનીભાઇ ગેડિયાએ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો કે, તેમણે જેમની પાસેથી પૈસા લીધા હતા, તેઓ કોઈએ પણ ક્યારેય ઉઘરાણી કરી નથી કે, તેમને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડી કે, ત્રાસ આપ્યો નથી. પરંતુ દીકરો જે કેનેડા હતો તેનું વર્તન તેમને ખૂબ જ દુભાવતું હતું અને એને લઈને તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઈમોશનલ મુદ્દાઓને લઈને પણ જે સુસાઇડ નોટ લખી છે. તેમાં પોતાનો પુત્ર પિયુષ તો મોઢું ફેરવી જ ગયો હતો. પરંતુ પિયુષની પત્ની એટલે કે, પુત્રવધુ પાયલે પણ જે રીતે આ વૃદ્ધ દંપતીને અપમાનિત કર્યા હતા એનો ઉલ્લેખ પણ સુસાઇડ નોટમાં કર્યો છે. તેની સાથે સાથે જે રીતે પૌત્ર ક્રિશ તેમને વ્હાલો હતો તેનો ઉલ્લેખ પણ કર્યો છે.
(જી.એન.એસ)