અવારનવાર ઢોરથી લોકોને નાની મોટી ઈજાઓ પહોંચે છે તો કેટલાક કિસ્સામાં તો મોતની ઘટના પણ સામે આવી છે
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ગુજરાતમાં રખડતા ઢોરનો વિકાસ જાણે ચરમસીમાએ છે. આ રખડતા ઢોરને કારણે રોડ પર લોકોનું જીવન જોખમમાં હોય છે. અવારનવાર ઢોરથી લોકોને નાની મોટી ઈજાઓ પહોંચે છે તો કેટલાક કિસ્સામાં તો મોતની ઘટના પણ સામે આવી છે.
ગુજરાત સરકાર એક તરફ વિકાસના બણગા ફૂંકી રહી છે ત્યારે ગુજરાતમાં જો સૌથી વધુ વિકાસ થયો હોય તો તે રખડતા રઝડતા ઢોરનો. પશુઓના મલિક પણ એટલા જ જવાબદાર છે અને તેમની સામે યોગ્ય કાર્યવાહી કરતા સરકાર ખચકાઈ છે કેમ કે સરકારને ચૂંટણીમાં મતની ચિંતા હોય છે સામાન્ય પ્રજાને પડતી મુશ્કેલીમાં તેમને કોઈ રસ હોતો નથી.
પશુ માલિકોને શહેરની બહાર જગ્યા આપવી જોઈએ
રખડતા ઢોરના ત્રાસને કારણે શહેરમાં સતત ટ્રાફિક હોવાને કારણે ક્યારેક આ ઢોરને કારણે નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે અને આટલી ગંભીર બાબત હોવા છતાં સરકાર મૌન છે અને કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. પશુ માલિકોને શહેરની બહાર જગ્યા ફાળવણી આપવી જોઈએ જેથી પશુઓની સાર સંભાળ રાખી શકે અને જે ઢોર માલિક શહેરમાં તેમના ઢોર ખુલ્લા મૂકે છે તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ.
કાયદો બધા માટે સરખો ક્યારે ?
ગુજરાત સરકારમાં એક ને ગોળ ને બીજાને ખોળ જેવી નીતિને કારણે છેલ્લા ઘણા સમયથી લોકો પરેશાન થઇ ગયા છે. સતત વધી રહેલા ઢોરના કારણે અકસ્માતથી જીવન જોખમમાં મુકાઈ ગયું છે. રસ્તા પર રખડતા ઢોરથી જો કોઈ ઈજાગ્રસ્ત થાય કે વાહનોને નુકશાન થાય તો કોની પાસેથી દવા તેમજ નુકસાનની રકમ લેવાની તેવો કોઈ નિયમ નથી. સરકાર પોતાના મતની ચિંતા હોવાને કારણે ઢોર અંગેનો કાયદો પાછો ખેંચી લે છે પણ લોકોને જે તકલીફ પડે છે તેના પર જરા પણ ચિંતા કરવામાં આવતી નથી.
ભારત જ એવો દેશ છે જે ઝડપથી વિકસતો દેશ છે પણ રખડતા ઢોર અને ગંદકીને કારણે વિદેશના લોકો ખરાબ નજરે જોવે છે. એક બાજુ આપણી સંસ્કૃતિમાં ગાય ને માતાની સમકક્ષ ગણિયે છીએ અને એ જ ગાયને ખુલ્લા રોડ પર પ્લાસ્ટિક ખાવા છોડી દઈએ છીએ. પશુ માલિકોએ પોતાના પશુની સાર સંભાળ વ્યવસ્થિત રાખવી જોઈએ જેથી બીજાને નુકશાન ન થાય અને લોકોનો જીવ જોખમમાં ન જાય.