આ પગલા પાછળ ચિલી સરકાર દ્વારા કોઈ કારણ આપવામાં આવ્યું નથી. પરંતુ તેને ગાઝા યુદ્ધ સાથે જાેડવામાં આવી રહ્યું છે.
ચિલી,તા.૦૬
દક્ષિણ અમેરિકાના નાના દેશ ચિલીએ ઈઝરાયેલને મોટો ઝટકો આપ્યો છે. ચીલીએ મંગળવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે, ઈઝરાયેલની કંપનીઓ એપ્રિલમાં યોજાનાર અમેરિકાના સૌથી મોટા એરોસ્પેસ મેળામાં ભાગ લઈ શકશે નહીં.
માહિતી આપતા સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, “ચીલીની સરકારે નિર્ણય લીધો છે કે, આ વખતે ૯થી ૧૪ એપ્રિલની વચ્ચે યોજાનાર ઇન્ટરનેશનલ એર એન્ડ સ્પેસ ફેર (FIDAE)માં ઇઝરાયેલની કંપનીઓ ભાગ લેશે નહીં. આ પગલા પાછળ ચિલી સરકાર દ્વારા કોઈ કારણ આપવામાં આવ્યું નથી. પરંતુ તેને ગાઝા યુદ્ધ સાથે જાેડવામાં આવી રહ્યું છે. કારણ કે, ચિલી શરૂઆતથી જ ઈઝરાયેલના હુમલાનો વિરોધ કરી રહ્યું છે.
આરબ દેશોની બહાર સૌથી વધુ પેલેસ્ટિનિયન ઇમિગ્રન્ટ્સ ચિલીમાં છે, હાલમાં ચિલીમાં પેલેસ્ટિનિયન મૂળના લગભગ ૫ લાખ નાગરિકો હાજર છે. ગાઝામાં ઈઝરાયેલના હુમલા બાદ ચીલીએ ઈઝરાયેલ સામે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો અને ગાઝા પરની કાર્યવાહીને સામૂહિક સજા ગણાવી હતી. ઑક્ટોબરના અંતમાં, ચિલીના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ચિલી આ સૈન્ય કાર્યવાહીની સખત નિંદા કરે છે અને ખૂબ જ ચિંતા સાથે અવલોકન કરે છે.” ઉપરાંત, ગાઝામાં નાગરિકો પર ઇઝરાયેલના હુમલાઓને સામૂહિક સજા તરીકે વર્ણવવામાં આવી હતી. આ સિવાય મેક્સિકો અને ચિલી એ દેશોમાં સામેલ હતા જેમણે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં ઇઝરાયેલના યુદ્ધ અપરાધોની તપાસની માંગ કરી હતી.
ચિલીમાં ઇઝરાયેલના રાજદૂત ગિલ આર્ટઝેલીએ એએફપીને જણાવ્યું હતું કે, સરકારે તેમનો FIDAE વિશે સંપર્ક કર્યો નથી. તેમણે આગળ કહ્યું, “અમે એમ કહી શકતા નથી કે, ઇઝરાયેલ પ્રત્યે (ચીલી) સરકારના આ વલણથી અમે આશ્ચર્યચકિત છીએ.” ઇન્ટરનેશનલ એર એન્ડ સ્પેસ ફેર FIDAE ૨૦૨૪ ૯થી ૧૪ એપ્રિલ દરમિયાન ચિલીના સેન્ટિયાગોમાં આર્ટુરો મેરિનો બેનિટેઝ એરપોર્ટ પર યોજાશે. વિશ્વભરની ડઝનબંધ હવાઈ કંપનીઓ તેમાં ભાગ લે તેવી અપેક્ષા છે.
(જી.એન.એસ)