આ “ચાંદીપુરા વાયરસ” મુદ્દે અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટે માહિતી આપતા જણાવ્યું છે કે, શંકાસ્પદ કેસના તમામ સેમ્પલ પુણે મોકલાયા છે.
અમદાવાદ/બનાસકાંઠા/પંચમહાલ,તા. ૧૭
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો થયો છે જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં બાળકોના મોત પણ નિપજ્યા છે, જે એક મોટી કરુણ ઘટના છે અને ચિંતાનો મોટો વિષય પણ છે. હાલ ચોમાસાની ઋતુમાં સમગ્ર રાજ્યમાં “ચાંદીપુરા વાયરસ”ના કેસ વધી રહ્યા છે.
નાના બાળકો “ચાંદીપુરા વાયરસ”થી સંક્રમિત થઈ રહ્યા છે અને તબિયત લથળતા બાળકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે. જેને લઈ વાલીઓમાં ફફડાટ મચી જવા પામી છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કોટડા ગામમાં શંકાસ્પદ “ચાંદીપુરા વાયરસ”ના કારણે ચાર વર્ષની બાળકીનો સારવાર દરમ્યાન મોત નીપજતા સ્થાનિક આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. વધુમાં અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં પણ “ચાંદીપુરા વાયરસ”ના કારણે ૧ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં “ચાંદીપુરા વાયરસ”ના કારણે ૧ વર્ષના બાળકનું મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ બાળક મહેસાણાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લવાયું હતું. ૨ દિવસની ટૂંકી સારવાર બાદ જ બાળક જિંદગી સામે જંગ હારી ગયું છે. તે બાળકને તાવ અને ખેચ આવતા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યું હતુ. હાલ તબીબો દ્વારા તે બાળકનું સેમ્પલ પૂના ખાતે મોકલવામાં આવ્યું છે.
ગોધરા તાલુકાના કોટડા ગામના બારીયા ફળિયાની ચાર વર્ષની બાળકીને તાવ આવતા પરિજનો દ્વારા ગોધરા સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીની તબિયત વધુ ખરાબ થતા અને તેમાં “ચાંદીપુરા વાયરસ”ના લક્ષણો દેખાતા વધુ સારવાર માટે વડોદરાના એસેસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન મોડી રાત્રીએ બાળકીનો મૃત્યુ નીપજ્યું હતું. બીજી તરફ જિલ્લાનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને આરોગ્ય વિભાગ દ્વારા કોટડા ગામના બારીયા ફળિયામાં સર્વેલન્સ શરૂ કર્યું છે.
આરોગ્ય વિભાગ દ્વારા “ચાંદીપુરા વાયરસ”ને ફેલાવવામાં જવાબદાર માનવામાં આવતી સેન્ડ ફ્લાય એટલે કે, રેત માખીના સેમ્પલ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, એકત્રિત કરેલ સેન્ડ ફલાય એટલે કે, રેત માખીના સેમ્પલ પુણે ખાતે આવેલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવશે. અસરગ્રસ્ત બાળકીના ઘરમાંથી અને આજુબાજુના મકાનોમાંથી પણ સેન્ડ ફ્લાય મળી આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા આગામી ૧૪ દિવસ સુધી સર્વેલન્સ કામગીરી કરવામાં આવશે. સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા ગામના રહીશોને તકેદારી રાખવા સહિતની સૂચના અને બાળકોમાં તાવ જેવા લક્ષણો દેખાય તો તરત જ સારવાર લેવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
આ “ચાંદીપુરા વાયરસ” મુદ્દે અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટે માહિતી આપતા જણાવ્યું છે કે, શંકાસ્પદ કેસના તમામ સેમ્પલ પુણે મોકલાયા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ચાંદીપુરમથી ગભરાવાની જરૂર નથી અને નાના બાળકોને મચ્છરદાનીમાં જ રાખવાની જરૂર છે. બાળકના વાલીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, બાળકને તાવ કે ખેંચ આવે તો તબીબનો સંપર્ક કરવો. અંતમાં તેમણે કહ્યું હતું કે, લોકો કાળજી રાખશે તો ચાંદીપુરમને ફેલાતો અટકાવી શકાશે.
(જી.એન.એસ)