Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આંકડો ૧૪૦એ પંહોચ્યો : રાજકોટમાં ચાંદીપુરા વાયરસે વધુ એક બાળકીનો ભોગ લીધો

આ વાયરસ સેન્ડ ફલાય દ્વારા ફેલાતો હોવાથી પાલિકા દ્વારા તમામ સંભવિત સ્થાનો પર દવા છાંટવામાં આવી રહી છે.

રાજકોટ/ગાંધીનગર,તા. ૩
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત હોય તેમ લાગી રહ્યું છે કેમ કે, કેસોનો આંકડો ૧૪૦એ પંહોચ્યો છે. રાજકોટમાં ચાંદીપુરા વાયરસે વધુ એક બાળકીનો ભોગ લીધો છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી ૫૮ શંકાસ્પદ મોત થયા છે. જયારે ૨૫ દર્દીઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા જાેઈએ તો પંચમહાલમાં ૭, સાબરકાંઠામાં ૬, મહેસાણામાં ૫, ખેડામાં ૪ કેસ, કચ્છમાં ૩ અને રાજકોટમાં ૩ કેસ નોંધાયા છે.

રાજકોટમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એક મોત.

ચાંદીપુરા વાયરસથી ૭ મહિનાની બાળકીનું મોત થયું. આ બાળકીનો પરિવાર ચાર દિવસ પહેલા જ દાહોદથી આવ્યો હતો. આરોગ્ય તંત્રને આ મામલાની જાણ થતાં બાળકીનો રિપોર્ટ કરાવશે. તેમજ તેમનો પરિવાર કયાં રહે છે અને કયારે દાહોદથી આવ્યા, તેમજ તેમના ઘરની આસપાસની સ્થિતિ કેવી છે વગેરે બાબતોનું નિરિક્ષણ કરાશે. ૭ મહિનાની બાળકીનું મોત થતા જ પરિવારમાં શોકનો માહોલ છવાયો. રાજકોટમાં હાલમાં ચાંદીપુરાના ૧૨ દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધી ચાંદીપુરાના કારણે ૩ના મોત થયા છે. જાે કે, રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ વધતા આરોગ્ય તંત્ર દ્વારા છંટકાવની કામગીરી હાથ ધરાઈ છે.

આ વાયરસ સેન્ડ ફલાય દ્વારા ફેલાતો હોવાથી પાલિકા દ્વારા તમામ સંભવિત સ્થાનો પર દવા છાંટવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારોને સર્વેની કામગીરી હાથ ધરાતા ગીચ અને શંકાસ્પદ સ્થાનો પર રોગ નિયંત્રણ માટે મેલેથિઓન પાવડર, એક જંતુનાશક, લગભગ ૬.૫૨ લાખ માટીના ઘરો અને પશુઓના શેડમાં છંટકાવ કરવામાં આવ્યો છે. આ સાથે વહીવટીતંત્ર લોકોને પણ સ્વચ્છતા રાખવા અને બાળકોને તાવ અને ઉધરસ જેવી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાને ના અવગણતા ડોક્ટરનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.

 

(જી.એન.એસ)