પયગંબર મોહમ્મદ સાહેબ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી બાદ બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ડીસીપી પી સાઈ ચૈતન્યએ જણાવ્યું કે, ગઈકાલે રાત્રે દક્ષિણ ઝોનની ડીસીપી ઓફિસમાં મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નુપુર શર્માનો મામલો હજુ પૂરો થયો નથી કે તેલંગાણામાં ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહની વિવાદાસ્પદ ટિપ્પણી પણ સામે આવી છે. આરોપ છે કે, ભાજપના ધારાસભ્યએ પયગંબર મોહમ્મદ સાહેબ વિશે અપમાનજનક ટિપ્પણી કરી છે. આ પછી રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકોએ ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને તેમની ધરપકડની માંગ કરી.
પોલીસે કહ્યું કે, પયગંબર મોહમ્મદ સાહેબ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી બાદ બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ડીસીપી પી સાઈ ચૈતન્યએ જણાવ્યું કે, ગઈકાલે રાત્રે દક્ષિણ ઝોનની ડીસીપી ઓફિસમાં મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોએ કહ્યું કે ભાજપના ધારાસભ્યએ એક સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે, તેથી તેની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. ડીસીપી ચૈતન્યએ કહ્યું કે, ધારાસભ્ય વિરુદ્ધ અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
વીડિયો સોશિયલ મીડિયા પર કર્યો પોસ્ટ
ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયોને લઈને તેણે કથિત રીતે પયગંબર મોહમ્મદ સાહેબ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેની પોસ્ટ વાયરલ થઈ અને તેને જોઈને લોકો મોડી રાત્રે દબીરપુરા, ભવાનીનગર, મિચોક, રેનબજાર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને વિરોધ કરવા લાગ્યા.
કોમેડિયન મુનવ્વર ફારૂકીને આપવામાં આવી હતી ધમકી
અગાઉ ટી રાજા સિંહે કોમેડિયન મુનવ્વર ફારૂકીને પણ કથિત રીતે ધમકી આપી હતી. તેણે પોતાનો શો રદ કરવાની પણ માંગ કરી હતી. શુક્રવારે, જ્યારે ટી રાજા મુનવ્વર ફારૂકીના સ્થળ પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે પોલીસે તેને નિવારક કસ્ટડીમાં લીધો હતો.