(અબરાર એહમદ અલવી)
શેખ જમ્મન શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ) એટલા પરહેઝગાર હતા કે, ઇશાની નમાઝ માટે કરેલા વઝુથી ફજરની નમાઝ અદા કરતા હતા.
શેખ જમ્મન શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)નું નામ જલાલઉદ્દીન હતું અને આપની ગણના ગુજરાતના નામાંકીત વલીઓમાં થાય છે. તેમણે પોતાના પિતા હઝરત શેખ મહેમુદ રાજન (રેહ્મતુલ્લાહ અલૈહ) પાસેથી દીની તાલીમ અને તસ્સવુફનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. હઝરત શેખ એહમદ ખટ્ટુ સરખેજી (રેહ્મતુલ્લાહ અલૈહ)ના ખલીફા હઝરત શેખ નસીરુદ્દીન સાની (રેહ્મતુલ્લાહ અલૈહ) આપના કાકા છે.
શેખ જમ્મન શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ) કુર્આન અને તફસીરના હાફીઝ હતા. અત્યંત મધુર અવાજે કુર્આને પાકની તીલાવત કરતા હતા. આપ ઝીક્રમાં પ્રવૃત રેહતા હતા અને મોટા ભાગે રોઝાની હાલતમાં રેહતા હતા. આપ એટલા પરહેઝગાર હતા કે, ઇશાની નમાઝ માટે કરેલા વઝુથી ફજરની નમાઝ અદા કરતા હતા. ઇમાનની હીફાઝત માટે બે રકાત નફીલ નમાઝ બાલીગ અવસ્થાથી લઇ આપની વફાત સુધી ક્યારેય તર્ક (છોડી) નથી. દરરોજ આપ એક હજાર નફીલ નમાજ અદા કરતા હતા.
એક રાતે આપ મસ્જીદમાં હતા અને એક વ્યક્તિ ગુસલની હાજતથી મસ્જીદમાં આવ્યો તેણે શેખ જમ્મન શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)ના શરીરના અંગો જુદા-જુદા પડેલા જોયા… કોઇએ આપને શહીદ કરી દીધા તેમ માનીને એ શખ્સ ગભરાઇને મસ્જીદમાંથી બહાર નીકળી ગયો. જ્યારે ફજરની નમાઝનો સમય થયો ત્યારે તે જ શખ્સ જે ગુસલની હાજતથી મસ્જીદમાં આવ્યો હતો તેણે હઝરત જમ્મન શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)ને સહી સલમાત જોઇને આચશ્રર્યચકીત થઇ ગયો અને આ અચંબાજનક ઘટનાને તેણે લોકોમાં જાહેર કરી દીધી. જેના કારણે ટોળાબંધ લોકો જમ્મન શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ) પાસે આવવા લાગ્યા. આપનો રહસ્ય જાહેર થઇ ગયો. હઝરતને આ વાત ગમી નહી અને આપે ફરમાવ્યુ “જે શખ્સે મારો રહસ્ય જાહેર કર્યો તેની જીભ ગૂંગિ કેમ ન થઇ ગઇ..?” હઝરતની જીભથી આ શબ્દો નીકળ્યા અને આપનો રહસ્ય જાહેર કરનાર વ્યકતિ ગુંગો થઇ ગયો અને કેટલાક સમય સુધી ગુંગો જ રહ્યો. છેવટે હઝરત પાસે આવીને તેની ભૂલ અંગે માફી માંગી જમ્મન શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)એ તેને કાળી દ્રાક્ષ આપી અને ચાબવા કીધું દ્રાક્ષ ચાબતા જ તે શખ્સ બોલતો થઇ ગયો. આ આપની કરામત હતી.
આપે જીવનભર લોકોને ભલાઇના માર્ગે વાળવાનું કામ અંજામ આપ્યું. આપનો મઝાર અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં છે આપના મઝારની બાજુમાં વિશાળ શાહી મસ્જીદ છે. આજે પણ આપના મજાર પર અકીદતમંદો આવે છે અને દિલની મુરાદ હાંસલ કરે છે.