હિંમતનગર ગઢા ગ્રામ પંચાયતના તલાટી સ્વચ્છતા અભિયાન હેઠળ મળતી સહાય માટે લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા
તલાટીએ રૂ.૫૦૦ની લાંચ સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ મળતી સહાયના નાણાં અપાવવા ફરિયાદી પાસે માંગ્યાં હતા.
હિંમતનગર, તા. ૧૧
એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા છેલ્લા ઘણા દિવસોથી લાંચિયા અધિકારીઓ પર જાણે ફૂલ એક્શનમાં કામ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હવે, હિંમતનગરના ગઢા ગ્રામ પંચાયતના તલાટીની પણ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ધરપકડ કરી છે. ગઢા ગ્રામ પંચાયતના તલાટીએ રૂ.૫૦૦ની લાંચ સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ મળતી સહાયના નાણાં અપાવવા ફરિયાદી પાસે માંગ્યાં હતા.
આ કેસમાં ફરિયાદીએ શૌચાલય બનાવ્યો હતો અને સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ સરકારની સહાય મેળવવા માટે ફોર્મ ભર્યું હતું. જેની સહાય પેટે રૂ.૧૨,૦૦૦ મળતા હતા. આ રકમ ખાતામાં જમા કરાવવા માટે ગઢા ગ્રામ પંચાયતના તલાટી જીતેન્દ્ર કુમાર ઝેડ. પટેલે રૂ.૨૦૦૦ની લાંચ માંગી હતી. જેમાં ફરિયાદીએ તલાટીને ૧૫૦૦ રૂપિયા આપ્યા હતા. જાે કે, બાકીની રકમ આપવી ન હોવાથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે એસીબીના અધિકારીઓએ ગઢા ગ્રામ પંચાયત કચેરીમાં ટ્રેપ ગોઠવીને લાંચ લેતા તલાટીને રંગે હાથ ઝડપી લીધો હતો અને ધરપકડ કરી હતી.
(જી.એન.એસ)