Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ રેલવે સ્ટેશનમાં તસ્કર-બુટલેગરો બેફામ : દોઢ મહિનામાં ચોરીના ૭૪, દારૂના ૧૮, ગાંજાના ૨ કેસ પકડવામાં આવ્યા

અમદાવાદ,તા.૨૦

છેલ્લાં દોઢ મહિનામાં ટ્રેન અને અમદાવાદ રેલવે મથક પરથી ૨.૫૫ લાખનો દારૂ, ગાંજાે પકડાયો હતો. તેમજ મોબાઈલ, રોકડ સહિત કુલ ૨૬.૨૯ લાખનો મુદ્દામાલ ચોરી થઈ હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

ભારતીય મુસાફરોની પહેલી પસંદ ટ્રેન છે અને રેલવે બાબુઓની બેદરકારીના લીધે ધીમેધીમે અસામાજિક તત્વોનો અડ્ડો બની રહી છે. લોકોને વિવિધ શહેરોમાં અવરજવર કરવા માટે સરળતા રહે તે માટે શરૂ કરાયેલી રેલવેની સુવિધા આજે બૂટલેગર અને ડ્રગ્સના પેડલર માટે નશીલા પદાર્થની હેરફેર કરવાનું સૌથી સુરક્ષિત માધ્યમ બની ગયું છે.

છેલ્લાં દોઢ મહિનામાં ટ્રેન અને અમદાવાદ રેલવે મથક પરથી ૨.૫૫ લાખનો દારૂ, ગાંજાે પકડાયો હતો. તેમજ મોબાઈલ, રોકડ સહિત કુલ ૨૬.૨૯ લાખનો મુદ્દામાલ ચોરી થઈ હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. ૧ ઓગસ્ટથી ૧૭ સપ્ટેમ્બર સુધીના માત્ર દોઢ મહિનામાં રેલવેમાં દારૂના ૧૮ બેગ સહિતના સામાનની ચોરીના ૩૭, મોબાઈલ ફોનની ચોરીના ૩૭ અને ગાંજાે પકડવાના બે કેસ પોલીસ મથકે નોંધાયા છે. અલબત, આ તો છીડે ચડેલા ચોર છે, બાકી આ સિવાય અનેકગણી વધારે માત્રામાં અસામાજિક કૃત્યો ટ્રેનમાં થઈ રહ્યા છે. આમ તો મુસાફરોની સલામતી માટે આરપીએફ અને રેલવે પોલીસ એમ બે ફોર્સ છે. તેમ છતાં હવે ટ્રેનમાં મુસાફરી કરવામાં લોકો ધીમે ધીમે અસલામતીનો અનુભવ કરી રહ્યા છે.

દોઢ મહિનામાં વિવિધ લોકલ તેમજ એક્સપ્રેસ ટ્રેન સહિત અમદાવાદ અને અસારવા રેલવે મથક પરથી ૧૫.૭૮ લાખના મુદ્દામાલ ભરેલી અનેક બેગ ચોરાઈ ગઈ હોવાની રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં રોકડા રૂપિયા, લેપટોપ, ચાર્જર, ડિજિટલ કેમેરા, સોના- ચાંદીના દાગીના, ઓળખપત્ર તથા જરૂરી દસ્તાવેજ સહિતની ચીજવસ્તુઓ તસ્કરો ઉઠાવી ગયાં હતાં. તેવામાં ૨૦ ઓગસ્ટના રોજ અમદાવાદ રેલવે મથક પરથી યુવકનો ફોન ચોરી કરીને તસ્કરે તે ફોનમાંથી ઓનલાઈન એપ્લિકેશન મારફતે ૫૯ હજાર રૂપિયા યુવકના બેન્ક અકાઉન્ટમાંથી સેરવી લીધા હોવાની ઘટના પણ બની હતી. સાથે જ ટ્રેનના દરવાજા પાસે ઉભા રહીને ફોન પર વાત કરતાં મુસાફરોના મોબાઈલ પણ ચીલઝડપ કરવામાં આવે છે.

 

(જી.એન.એસ)