Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં ૧૫૪મું અંગદાન થયું

(Abrar Ahmed Alvi)

ચાર સગા ભાઇઓએ બ્રેઇન ડેડ ભાઇના અંગોનું દાન કરવાનો નિર્ણય કરી ચાર લોકોના જીવન બચાવ્યા

કલોલના ૫૬ વર્ષીય અમરતભાઇ શીવાભાઇ મકવાણા બ્રેઇન ડેડ થતા અંગદાન થયું

બે કીડની, એક લીવર તેમજ સ્કીનનું દાન મળ્યું

સિવિલ હોસ્પિટલમાં થયું ત્રીજું સ્કીન દાન

અંગદાન સાથે સ્કીન દાન પણ પવિત્ર અને અતિ ઉપયોગી દાન છે – ડૉ. રાકેશ જોષી, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે ૧૫૪મું અંગદાન થયું છે. સિવિલ હોસ્પિટલ ખાતે ૧૫૪માં અંગદાનની વાત કરીએ તો કલોલના રહેવાસી ૫૬ વર્ષીય અમરતભાઇ શીવાભાઇ મકવાણાને ૧૩/૦૫/૨૦૨૪ના રોજ ડાબા શરીરમાં લકવાની અસર સાથે પ્રાઇવેટ હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ ૧૫-૦૫-૨૦૨૪ના રોજ તબીબોએ અમરતભાઇને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. અમરતભાઇના પરીવારમાં તેમના ૯૦ વર્ષીય વૃદ્ધ  માં તેમજ ચાર ભાઇ છે. પોતે અપરણિત હોવાથી અમરતભાઇ પોતાના ભાઇઓ સાથે રહેતા હતા. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે અમરતભાઇના ભાઇઓને બ્રેઇન ડેડ બાદ અંગદાન વિશે સમજાવતા બધા ભાઇઓ { પ્રવિણભાઇ, ચંદ્રકાંતભાઇ, અશોક્ભાઇ, મનુભાઇ }એ  સાથે મળી અમરતભાઈના અંગોનુ દાન કરવાનો નિર્ણય કર્યો. અમરતભાઈના અંગદાન થકી બે કીડની, એક લીવર તેમજ સ્કીનનુ  દાન મળ્યુ.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, અમરતભાઈના અંગદાનથી  મળેલ કિડની તેમજ લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલમા દાખલ જરુરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે .

સિવિલ પ્લાસ્ટીક સર્જરી વિભાગ અંતર્ગત આવેલ સ્કીન બેંકને મળેલા સ્કીન દાનથી પણ દાઝેલા કે, અન્ય જરુરીયાતમંદ દર્દીમાં સ્કીન પ્રત્યારોપણ કરી કુલ ચાર લોકોની જીંદગી આપણે બચાવી શકીશુ. સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧૫૪ અંગદાતાઓ થકી કુલ ૪૯૭ અંગો તેમજ ત્રણ સ્કીનનું દાન મળેલ છે. જેના થકી ૪૮૧ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.