હીટ સ્ટ્રોકનો ભોગ બનેલાને ઝડપી સારવાર મળે તે માટે વિશેષ વોર્ડ બનાવાયો
અમદાવાદ,તા.૧૨
આખા દેશમાં અને ખાસ કરીને રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો પારો ઊંચકાયો છે, જયારે હવામાન વિભાગની આગાહી અનુસાર વાતાવરણમાં પલટાના કારણે ગરમીમાં આંશિક રાહત પણ મળી છે. પરંતુ આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની પણ શક્યતા છે તેને ધ્યાનમાં લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હીટ સ્ટ્રોક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.
આ વોર્ડમાં હીટસ્ટ્રોકની અસર થયેલા દર્દીઓને દાખલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકોને ચક્કર આવે, ઉલ્ટી થાય, આંખો સામે અંધારપટ છવાઈ જાય, ગભરામણ થાય તે તમામ લોકોએ તાત્કાલિક સારવાર લેવી જોઈએ. કેમ કે, તેઓને હીટસ્ટ્રોકની અસર થવાની શક્યતાઓ વધારે છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં અધિક્ષક ર્ડા. રાકેશ જોશીએ આ બાબતે જણાવ્યું હતું કે, ગરમીનાં દિવસોમાં લોકો ઘરની બહાર નીકળે છે, ત્યારે તાપમાનનો પારો વધુ હોવાનાં કારણે અને પુરતા પ્રમાણમાં પાણી નહી પીવાનાં કારણે ઘણા લોકો હીટસ્ટ્રોકનો ભોગ બને છે તેવા દર્દીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં આવી રહ્યા છે. આવા લોકોને પ્રાથમિકતા આપી તેઓને સારી સારવાર મળી રહે તે માટે આ વિશેષ વોર્ડ બનાવવામાં આવ્યો છે.
ર્ડા. રાકેશ જોશીએ વધુમાં કહ્યું હતું કે, હોસ્પિટલમાં આવતા દર્દીઓ સાથે તેઓનાં પરિવારજનો પણ આવે છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ઓપીડીમાં દર્દીઓ આવે છે. તેમજ તેઓને લાઈનમાં ઉભા રહી રાહ જોવી પડે છે. એવા દર્દીઓનાં પરિવારજનો માટે ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં જ્યાં દર્દીઓનાં સગા ઉભા હોય તેઓને હોસ્પિટલનાં સ્ટાફ તરફથી પીવાનું પાણી આપવામાં આવે છે. તેમજ ત્યાં કૂલર પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે કેટલાક લોકોને એવો ડર હોય છે કે, તેઓ લાઈનમાંથી ખસીને પાણી પીવા જશે તો તેઓનો વારો જતો રહેશે જેથી ઘણા દર્દીઓનાં સગા વ્હાલાઓ પાણી પીવા પણ જતા નથી. જે સમસ્યાનાં નિરાકરણ માટે ટ્રોલીમાં પાણી ભરીને લાઈનમાં ઉભેલા દર્દીઓનાં સગા-વ્હાલાને પીવડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
(જી.એન.એસ)