Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના નોન એસી વોર્ડમાં કુલર મુકાયા

(અબરાર એહમદ અલવી)

રાજ્યમાં ગરમીની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ દર્દીઓના હિતાર્થે સમગ્ર વ્યવસ્થા કરાઇ

એક જ દિવસમાં 70 જેટલા કુલર મુકવામાં આવ્યા

હોસ્પિટલમાં આવતા તમામ દર્દીને વાતાનુકુલિત વાતાવરણ મળી રહે તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે : સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી

અમદાવાદ,તા.૨૭ 

રાજ્યમાં ગરમીની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓના હિતાર્થે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નોન એસી વોર્ડમાં કુલર મુકવામાં આવ્યા છે.
વધુમાં અમદાવાદ સિવિલ અને 1200 બેડ હોસ્પિટલમાં રહેલ એ.સી. વોર્ડનો અને બિનઉપયોગી જગ્યાનો મહત્તમ ઉપયોગ થઇ શકે તે પ્રકારનું પણ સમગ્રતયા આયોજન તંત્ર દ્વારા હાથ ધરાયુ છે.

હોસ્પિટલમાં કુલ 70 જેટલા કુલર મુકવામાં આવ્યા છે.

ખાસ કરીને હોસ્પિટલમાં દાખલ બાળકો, વૃધ્ધો સહિતના તમામ દર્દીઓને ગરમીનો સામનો કરવો પડે નહીં તે પ્રકારનો આયોજન કરાયું છે. બાળકોને 1200 બેડ હોસ્પિટલના પાંચ આઇ.સી.યુ.માં શિફ્ટ કરવામાં આવ્યા છે. ગાયનેક વિભાગના બધા જ દર્દીઓને D-4 અને D-5 વોર્ડમાં શિફ્ટ કરીને કુલર મુકવામાં આવ્યા છે.

ઓ.પી.ડી. વિભાગની અંદર પણ વચ્ચે બેસવાની જે જગ્યા છે તે વેટિંગ એરિયામાં કુલ ચાર જેટલા તેમજ સિવિલના બિન વારસી વોર્ડ અને જુની સિવિલ હોસ્પિટલમા રહેલા તમામ વોર્ડમાં બે-બે કુલર મુકવામાં આવ્યા છે. ટી.બી. વોર્ડમાં પણ કુલ ચાર જેટલા કુલર ઇન્ટોલ કરાયા છે.

હરતી ફરતી પરબ અને વેઇટીંગ એરિયામાં પાણી પીરસવાની વ્યવસ્થાના લીધે બને ત્યા સુધી સિવિલ હોસ્પિટલમાં આવનાર દર્દીને લુ ન લાગે તેનું પુરતુ ધ્યાન હોસ્પિટલ દ્વારા સમયાંતરે રાખવામાં આવતુ હોવાનું સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતુ.