Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

‘નો એન્ટ્રી’ સમયે અમદાવાદમાં પ્રવેશતા ભારે વાહનોની ઓફિસ પણ હવે સીલ થશે

શહેર પોલીસ દ્વારા કોર્પોરેશનને પત્ર લખી આગામી દિવસમાં જે ટ્રાવેલ્સના ભારે વાહનો ‘નો એન્ટ્રી’ સમયમાં શહેરમાં પ્રવેશે તેની ઓફિસ સીલ કરવા અંગે જાણ કરી છે.

અમદાવાદ,તા. ૮
શહેરમાં ‘નો એન્ટ્રી’ સમયમાં પ્રવેશતા ભારે વાહનો બાબતે કોર્પોરેશનને પત્ર લખી આગામી દિવસમાં જે ટ્રાવેલ્સના ભારે વાહનો ‘નો એન્ટ્રી’ સમયમાં શહેરમાં પ્રવેશે તેની ઓફિસ સીલ કરવા અંગે કોર્પોરેશનને અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાણ કરવામાં આવી છે.

જાે કે, અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ અલગ અલગ પ્રયાસોથી શહેરમાં અકસ્માતોમાં મોતની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે ત્યારે હવે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ, સીટ બેલ્ટ, રોંગ સાઈડ તેમજ ભયજનક રીતે વાહન ચલાવવા મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરમાં ગત વર્ષની સરખામણીએ અકસ્માતોમાં મોત અને ગંભીર ઈજાઓના આકંડામાં ઘટાડો થયો છે.

વર્ષ ૨૦૨૩માં પહેલી જાન્યુઆરીથી ૩૧ જુલાઈ સુધીમાં ૨૯૭ લોકોના અકસ્માતમાં મોત થયા જેની સરખામણીએ ચાલુ વર્ષે આ જ ૭ મહિનામાં ૨૨૬ લોકોના અકસ્માતમાં મોત થયા છે. એટલે કે, અકસ્માતમાં મૃત્યુઆંક ૨૩ ટકા ઘટ્યો છે. સાથે અકસ્માતમાં ગંભીર ઈજાઓના ગત વર્ષ ૩૮૫ કેસ સામે આવ્યા હતા જેની સામે આ વર્ષે ૩૯૪ એટલે કે, ૨.૩૩ ટકાનો વધારો થયો છે.

શહેર પોલીસ દ્વારા આ વર્ષે હેલ્મેટ ન પહેરનારા ચાલકો પાસેથી ૩.૩૯ કરોડથી વધુ રકમનો દંડ વસૂલવામાં આવ્યો છે, જ્યારે સીટ બેલ્ટ ન પહેરનારા પાસેથી ૨.૨૬ કરોડથી વધુ રકમ દંડ તરીકે લેવામાં આવી છે. તે સાથે જ અન્ય રેડ લાઈટ વાયોલેશન, પાર્કિંગ વાયોલેશન, રોંગ સાઈડ, મોબાઈલ પર વાત કરવી અને ઓવર સ્પીડીંગ સહિત કુલ ૧૦ કરોડ ૫૨ લાખ રૂપિયાનો દંડ કરાયો છે. ઈ ચલણ અને સ્થળ પર દંડ એમ કુલ મળીને ૩૮.૭૪ કરોડનો દંડ ટ્રાફિક પોલીસે કર્યો છે.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સૌથી વધુ અકસ્માતો સર્જાય તેવા ૨૮ બ્લેક સ્પોટ પર શોધીને ત્યાં અકસ્માતો ઘટાડવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ શહેરમાં ‘નો એન્ટ્રી’ સમયમાં પ્રવેશતા ભારે વાહનો બાબતે કોર્પોરેશનને પત્ર લખી આગામી દિવસમાં જે ટ્રાવેલ્સના ભારે વાહનો ‘નો એન્ટ્રી’ સમયમાં શહેરમાં પ્રવેશે તેની ઓફિસ સીલ કરવા અંગે કોર્પોરેશનને જાણ કરી છે.

 

(જી.એન.એસ)