Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત દેશ

દેશમાં ગુજરાત ત્રીજું રાજ્ય, જ્યાં લોકો પેસેન્જર વાહનોનો વધુ ઉપયોગ કરે છે, મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે

દર મહિને SIAMનો એક રિપોર્ટ આવે છે જેમાં પેસેન્જર વાહનો, ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને કોમર્શિયલ વાહનોના વેચાણના આંકડાની માહિતી હોય છે.

અમદાવાદ,
“સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ એસોસિએશન”એ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર ગુજરાત દેશમાં ત્રીજું રાજ્ય છે જ્યાં લોકો પેસેન્જર વાહનોનો વધુ ઉપયોગ કરે છે. આ યાદીમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. આ સિવાય રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, કયા રાજ્યમાં બાઇકની માંગ વધુ છે અને કમર્શિયલ વાહનોની માંગમાં કયું રાજ્ય આગળ છે..?

તમને જણાવી દઈએ કે, દર મહિને સિયામનો એક રિપોર્ટ આવે છે જેમાં પેસેન્જર વાહનો, ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને કોમર્શિયલ વાહનોના વેચાણના આંકડાની માહિતી હોય છે. આ સંબંધમાં, SIAMએ અન્ય એક રિપોર્ટ જાહેર કર્યો જેમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આધારે ઓટો સેક્ટરની માંગ વિશે માહિતી આપવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રમાં પેસેન્જર વાહનો અથવા કારની સૌથી વધુ માંગ છે. નાણાકીય વર્ષ ૨૦૨૪ના ત્રીજા ક્વાર્ટરમાં કુલ પેસેન્જર વાહનોના વેચાણમાં મહારાષ્ટ્રનો હિસ્સો ૧૧.૯૬ ટકા છે. આ પછી ઉત્તર પ્રદેશનો ૧૦.૦૪ ટકા અને ત્રીજા ક્રમે ગુજરાતનો ૮.૪૬ ટકા હિસ્સો છે. કર્ણાટકનો ૭.૦૭ ટકા, તમિલનાડુનો ૬.૬૧ ટકા, હરિયાણાનો ૬.૬૦ ટકા, દિલ્હીનો ૫.૯૪ ટકા, રાજસ્થાનનો ૫.૨૬ ટકા, કેરળનો ૪.૩૯ ટકા, તેલંગણાનો ૪.૧૧ ટકા. મધ્ય પ્રદેશ ૪.૦૮ ટકા, પંજાબનો ૩.૪૪ ટકા, આંધ્ર પ્રદેશનો ૨.૭૯ ટકા, પશ્ચિમ બંગાળનો ૨.૬૬ ટકા, આસામનો ૨.૫૧ ટકા અને અન્ય રાજ્યોનો ૧૪.૦૧ ટકા છે.

ટુ વ્હીલર સેગમેન્ટની વાત કરીએ તો આ સેગમેન્ટમાં ઉત્તર પ્રદેશ આગળ છે. ટુ-વ્હીલરના કુલ વેચાણમાં ઉત્તર પ્રદેશનો હિસ્સો ૧૪.૩૫ ટકા છે. આ સિવાય મહારાષ્ટ્રમાં ૧૦.૯૮ ટકા, મધ્યપ્રદેશ ૭.૧૪ ટકા, તમિલનાડુ ૬.૯૨ ટકા, રાજસ્થાન ૬.૯૦ ટકા અને ગુજરાત ૬.૨૯ ટકા છે. આ સિવાય પંજાબ, છત્તીસગઢ, હરિયાણા જેવા રાજ્યોના નામ સૌથી ઓછી યાદીમાં સામેલ છે. કોમર્શિયલ વાહનોની વાત કરીએ તો કુલ વેચાણમાં મહારાષ્ટ્ર ફરી અવ્વ્લ છે. મહારાષ્ટ્રનો હિસ્સો ૧૩.૨૪ ટકા છે. ઉત્તર પ્રદેશનો હિસ્સો ૯.૮૪ ટકા, ગુજરાતનો ૮.૬૯ ટકા, કર્ણાટકનો ૭.૨૩ ટકા, રાજસ્થાનનો ૭.૦૩ ટકા છે. આ સિવાય સૌથી ઓછો હિસ્સો ધરાવતા રાજ્યોમાં દિલ્હી, છત્તીસગઢ, આસામ, તેલંગાણા જેવા રાજ્યોનો સમાવેશ થાય છે.

 

(જી.એન.એસ)