Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગાંજાના કેસમાં રાજપીપળાની અદાલતે આરોપીને દસ વર્ષની સજા ફટકારી

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવસાકી ગામના આરોપીએ પોતાના વાડામાં ગાંજાનો વાવેતર કર્યું હતું

પોલીસે રૂ. 16.54 લાખના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

સાજીદ સૈયદ, નર્મદા

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવસાકી પટેલ ફળિયામાં રહેતા આરોપીએ પોતાના ઘરની પાછળ આવેલ વાડામાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડોનું વાવેતર કરતા આ આરોપીને નર્મદા પોલીસે ઝડપીને તેના વાડામાં વાવેલા 232 ગાંજાના છોડ સહિત કુલ રૂ ૧૬.૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીને અટકાયત કરી તેની સામે નાર્કોટિક્સની ધારાઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નર્મદા જિલ્લાના સેશન્સ જજની કોર્ટમાં આ કેસ ચાલી જતા વિદ્વાન સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે. ગોહિલની દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીને દસ વર્ષની સજા અને રૂપિયા એક લાખનો દંડ ફટકારતા ગાંજાનો ગેરકાયદેસર વેપલો કરનારાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

સમગ્ર બનાવની વાત કરીએ તો સાગબારા તાલુકાના દેવસાકી પટેલ ફળિયામાં રહેતા આરોપી લાલસીંગ મેઘજીભાઈ વસાવાએ પોતાના ઘરના વાડામાં ગેરકાયદેસર રીતે ગાંજાનો વાવેતર કર્યું હતું. નર્મદા પોલીસને આ બાબતની બાતમી મળતા આરોપીના ઘરે રેડ કરી તેના વાડામાંથી 232 ગાંજાના છોડ જેનો કુલ વજન 165.400 કિલોગ્રામ જેની કુલ કિંમત રૂ 15.54 લાખના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી હતી અને આરોપી સામે એનડીપીએસ એક્ટ ની કલમ 8(બી ) 20 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કેસ રાજપીપળાની અદાલતમાં ચાલી જતા વિદ્વાન જજ એન.એસ. સિદ્દીકીની અદાલતે સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે. ગોહિલની ધારદાર દલીલો અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લઇ આરોપીને કસૂરવાર ઠેરવી 10 વર્ષની સજા અને રૂપિયા એક લાખનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *