સંબંધીઓનું કહેવું છે કે, બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા.
૨ મોતના કારણે પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું
ઝાંસી,
ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં એક જ પરિવારમાંથી એક સાથે ૨ લોકોની અંતિમ યાત્રા નીકળતા પરિવારમાં જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો. મહિલા તેના પતિના મોતનો આઘાત સહન ન કરી શકી અને તેના પતિના મૃત્યુના ૨ કલાક બાદ જ મહિલાનું પણ મોત થયું. આ રીતે ઘરમાં એક સાથે ૨ મોતના કારણે પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઝાંસીના બઘૌરા ગામમાં રહેતો ૫૦ વર્ષીય પ્રિતમ રવિવારે રાબેતા મુજબ ભેંસ લઈને ખેતરમાં ગયો હતો. વરસાદની સિઝનમાં ચેકડેમનું પાણી બગખરા ગામમાં ખેતરમાં જવાના રસ્તે ફરી વળ્યું હતું. પ્રીતમ ખેતરમાં ગયો ત્યારે પાણીનું લેવલ ઓછું હતું. પરંતુ, આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું, જેનાથી પ્રીતમ સંપૂર્ણપણે અજાણ હતો. સાંજે ખેતરમાંથી પરત ફરતી વખતે તે ચેકડેમના પાણીમાં ડૂબી ગયો હતો. આ રસ્તો પાર કરવાની કોશિશમાં તે પણ ડૂબી ગયો. લાંબા સમય બાદ જ્યારે પ્રિતમ ઘરે પરત ન ફર્યો તો સંબંધીઓએ તેની શોધખોળ શરૂ કરી. તપાસ દરમિયાન ચેકડેમના કિનારે પ્રીતમનો મૃતદેહ મળ્યો હતો.
આ પછી સંબંધીઓએ પોલીસને જાણ કરી હતી પ્રીતમના મૃત્યુના સમાચાર સાંભળતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પતિના મૃત્યુની જાણ થતા પત્ની બેભાન થઇ ગઈ હતી. પતિના મૃત્યુ પછી, તેની પત્નીનું પણ મૃત્યુ થયું હતું. સંબંધીઓનું કહેવું છે કે, બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. મૃતક દંપતીને એક પુત્ર અને ૨ પુત્રી છે અને આ ત્રણેય સંતાન પરિણીત છે.
બીજી તરફ મૃતકના કાકા ઉધમસિંહે જણાવ્યું કે, રોજની જેમ રવિવારે ભત્રીજાે પ્રીતમ ભેંસ ચરાવવા ખેતરમાં ગયો હતો. તે દરમિયાન માર્ગમાં આવેલા ચેકડેમમાં અચાનક પાણી વધી ગયું હતું. સાંજે પ્રીતમ ભેંસ ચરાવીને પરત ફરી રહ્યો હતો ત્યારે ચેકડેમના પાણીમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું.