એમ.ડી. (MD) ડ્રગ્સ, એક ફોરવ્હીલ સહીત કુલ ૭.૯૬ લાખનો મુદામાલ જપ્ત
સુરત,તા.૦૭
સુરત શહેરમાં પ્રતીબંધિત એમડી ડ્રગ્સ સાથે ૩ ઈસમો ઝડપાયા છે. સુરતમાં ખટોદરા પોલીસ અને એલસીબી ઝોન ૪ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ૩ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી પ્રતીબંધિત ૬૭,૬૦૦ રૂપિયાની કિમંતનું ૬.૭૬૦ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ (MD Drugs), એક ફોરવ્હીલ સહીત કુલ ૭.૯૬ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સુરતમાં બાતમીના આધારે ખટોદરા પોલીસ અને એલસીબી ઝોન ૪ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઉધના દરવાજા જૂની સબજેલની બાજુમાં આવેલી સરકારી વસાહત પાસેથી ફોરવ્હીલ કાર લઇ પસાર થઇ રહેલા અરબાઝ અબ્દુલ રહીમ પટેલ, રેહાન મોહમદ યાકુબ મેવાવાલા તથા મોહમદ એઝાઝ મોહમદ ઈમ્તિયાઝ શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી પ્રતીબંધિત ૬૭,૬૦૦ રૂપિયાની કિમતનું ૬.૭૬૦ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું જેથી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી એમડી ડ્રગ્સ, અંગઝડતીના રોકડા રૂપિયા ૨૦ હજારની કિમતના ૩ મોબાઈલ, ૭ લાખની કિમતની એક ફોરવ્હીલ કાર મળી કુલ ૭.૯૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે ઝડપાયેલા આરોપીઓની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપીઓ વિરાર મુંબઈ ખાતે રહેતા તેના મિત્રો સાહિલ ઉર્ફે ઈમ્મુ, ઇસ્કાઇલ તથા મોટા નામના વ્યક્તિ પાસેથી એમડી ડ્રગ્સ લાવ્યા હતા. હાલ આરોપીઓ વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.