ભક્તો હવે ૧૧૦૦ રૂપિયા આપીને ધજા લહેરાવી શકશે…
અમદાવાદમાં નગરજનો ભદ્રકાળી માતાના મંદિરે ધજા અર્પિત કરી શકશે…
અમદાવાદ,
અંબાજી, દ્વારકા મંદિરમાં ધજા ચઢાવવાનુ અનેરુ મહત્વ હોય છે. ત્યારે હવે અમદાવાદીઓને પણ ઘરઆંગણે આ લ્હાવો મળી શકે છે. હવેથી અમદાવાદના નગરજનો નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે ધજા અર્પિત કરી શકશે. માઇ ભક્તો નગરદેવી ભદ્રકાળી મંદિરે ધજા ચઢાવી શકશે. ૧૦૦ વર્ષમાં પ્રથમ વાર સામાન્ય ભક્તો ધજા અર્પણ કરી શકશે.
શહેરના લાલ દરવાજા વિસ્તારમાં નગરદેવી મહાકાળી માતાનું મંદિર આવેલુ છે. આ મંદિર અમદાવાદીઓના આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરમાં અત્યાર સુધી ધજા ફરકાવાની કોઇ વ્યવસ્થા ન હતી. આખડી કે, બાધા રાખનારા ભક્તો જ ધજા મંદિરને અર્પણ કરતા હતા. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ લોકો માટે ધજા ચઢાવવા ખાસ વ્યવસ્થા કરી છે. અમદાવાદ મનપાએ પ્રાંગણમાં પોલની વ્યવસ્થા કરતાં આ મંદિરમાં ધજા ચઢાવવું શક્ય બન્યું છે.
અત્યાર સુધી દર પુનમે બે તથા નવરાત્રિમાં પાંચ ભક્તો ધજા ચઢાવી શકતા હતા. ત્યારે હવેથી કોઇ પણ શ્રધ્ધાળુ નોંધણી કરાવી ૧૧૦૦ રૂપિયા ચૂકવી ધજા ચઢાવી શકશે. જાે કોઇ ભક્ત ધજા વિના આવશે તો પણ મંદિર તરફથી ધજા આપવામાં આવશે. મંદિરના મુખ્ય ટ્રસ્ટી શશીકાંત તિવારીએ કહ્યું કે, મનપાએ મંદિરના પ્રાંગણમાં શેડ બાંધી પહેલી ધજા લહેરાવી છે. આ પહેલા ભદ્રના કિલ્લાનું હરિટેજ સ્થાપત્યનું મહત્વ હોવાના કારણે મંદિરે ધજા ચઢાવી શકાતી ન હતી. માત્ર નવરાત્રિ જેવા પાવન અવસરો ઉપર જ ધજા પતાકા લહેરાવી શકાતી હતી. હવેથી ભક્તો માનતા પૂરી કરવા ધજા અર્પણ કરી શકશે. ધજાનું પૂજન કરવા માટે ૧૧૦૦ રૂપિયા નક્કી કરાયા છે. આ રૂપિયા ચૂકવી તમે ધજા લહેરાવી શકશો. આ સાથે શશીકાંત તિવારીએ કહ્યું કે, ભદ્રકાળી માતાજીના મંદિરે જાે કોઈ ભક્ત બહારથી ધજા લઈને આવશે તો પણ તેમને રૂ.૧૧૦૦ તો આપવાના રહેશે. કોઈ વ્યક્તિ ધજા લઈને નહીં આવે તો તેમને મંદિર તરફથી પૂજા વિધિ કર્યા બાદ ધજા અપાશે. જેથી હવેથી અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા મંદિરે સામાન્ય વ્યક્તિ ધજા ચડાવી શકશે.