હું ખેડૂતનો દીકરો છું, ખેડૂતો માટે પોતાનો જીવ પણ આપવા તૈયાર છું, 2,00,000 સુધી ખેડૂતોનું દેવું માફ કરીશું : ઇસુદાન ગઢવી
મારું સપનું ખેડૂતોને ઉદ્યોગપતિ બનાવવાનું છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસમાં જાતિ અને ધર્મના નામે લોકોને ભ્રમિત કરે છે.
આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ દ્વારકામાં સભાને સંબોધતા કહ્યું કે, આજે અરવિંદ કેજરીવાલજી ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. ઘણા લોકોએ મને ફોન કરીને પૂછ્યું હતુ કે, ઈસુદાનભાઈ શું તમે ખેડૂતોને ભૂલી ગયા છો ? ત્યારે મેં કહેલું કે, હું ખેડૂતનો દીકરો છું, ખેડૂતો માટે લડવા માટે નહીં મરવા માટે પણ તૈયાર નથી, ખેડૂત મારો જીવ છે.
હું રાજકારણમાં એટલા માટે આવ્યો છું કે હું ગરીબ ખેડૂતો અને મજૂરોનું દુઃખ જોઈ શકતો નહોતો. હું આ દ્વારકાધીશની ધરતી પરથી જાહેર કરું છું કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી ગુજરાતના તમામ ડેમ એક વર્ષમાં ભરી દેવામાં આવશે. આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ માતા અને બહેનોએ કોઈની સામે હાથ ફેલાવવા નહીં પડે. બીજી વખત જ્યારે 5 વર્ષ સુધી સરકાર બનશે એ પહેલા માતા અને બહેનોનાં ખાતામાં 1000 રૂપિયા જમા થઇ જશે.
આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા પછી 2,00,000 સુધી ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે તેમ ઇસુદાન ગઢવીએ કહ્યું હતું. અરવિંદજીનું સપનું છે કે ભારતને સારું શિક્ષણ આપવું, હોસ્પિટલ આપવી, મારું સપનું ખેડૂતોને ઉદ્યોગપતિ બનાવવાનું છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસમાં જાતિ અને ધર્મના નામે લોકોને ભ્રમિત કરે છે પરંતુ હવે હું તમને સૌને વિનંતી કરું છું કે ખેડૂતોને એક કરવાનો સમય આવી ગયો છે. હું કોઈ જાતિ કે ધર્મનો નથી પરંતુ ખેડૂત સમાજનો સાથ ઈચ્છું છું. આમ આદમી પાર્ટીની ક્રાંતિ આવી છે. અહીં માછીમારોનો મોટો પ્રશ્ન છે, સ્થાનિક બેરોજગારીનો પ્રશ્ન છે. આમ આદમી પાર્ટીની સરકાર આવવા દો, હું ખાતરી આપું છું કે તમે જે રીતે કહેશો તે રીતે વ્યવસાય થશે એની હું ગેરંટી આપું છું. તેમ ઈસુદાન ગઢવીએ કહયું હતું.