Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

અરવલ્લીમાં આફતનો વરસાદ : ભિલોડા તાલુકામાં જળબંબાકાર, 13 માર્ગ બંધ કરવાની ફરજ પડી, ખેતરો અને નીચાણવાળા વિસ્તાર પાણીમાં

શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા, ને.હા.નં-8 પર ડુંગરની ભેખડો ધસી, કેટલાય રસ્તાઓ ડાયવર્ટ

શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા,ને.હા.નં-8 પર ડુંગરની ભેખડો ધસી
ભેખડ ધસી પડતા વાહન વ્યવહાર બંધ કરતા લોકો કલાકો સુધી ફસાયા
સુનસર ધોધ પ્રવેશ માર્ગ પર પ્રતિબંધ લગાવતું ગ્રામ પંચાયત
સુનોખ અને બેબાર ગામમાં નીચાણવાળા ઘરોમાં પાણી ઘુસ્યા

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે મંગળવારે વહેલી સવારથી જ ભારે વરસાદે તારાજી સર્જી છે. ભિલોડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ભારે વરાસદથી લોકોની મુશ્કેલીઓ વધી છે. ભિલોડા તાલુકાના 13 જેટલા માર્ગો પર તંત્રએ પ્રતિબંધ લગાવવાની ફરજ પડી હતી અને વૈકલ્પિક માર્ગ જાહેર કરવામાં આવ્યા હતા. વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા સુનોખ ગામ પાણીમાં ગરકાવ થતા વરસાદનું મેઘ તાંડવ જોઈ લોકો રીતસરના ફફડી ઉઠ્યા હતા ભિલોડાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીમાં ગરકાવ થતા બેટમાં ફેરવાયા હતા હજ્જારો હેક્ટરના પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે પણ ભારે વરસાદને કારણે સ્થાનિક લોકોની મુશ્કેલીઓમાં વધારે થયો છે. કમરસમા પાણી ભરાઈ જતાં લોકોની દુકોનામાં પાણી ભરાઈ ગયા હતા. તો મેશ્વો નદી પણ બે કાંઠે વહેતી થઈ હતી. શામળાજી સહિત આસપાસના વિસ્તારો અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે શામળાજી જળબંબાકાર જોવા મળ્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોનો રોષ જોવા મળ્યો હતો. તો બીજી બાજુ પેટ્રોલ પંપ, સરકારી ગેસ્ટ હાઉસ સહિતના મકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે વાહનોના ટાયર પણ થંભી ગયા હતા. દુકાનોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકો રોષે ભરાતા નેશનલ હાઈવે નંબર 8 પર ચક્કાજામ કર્યો હતો. અંદાજે 500 જેટલા લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને રોષ ઠાલવ્યો હતો. એક સાથે લોકોના ટોળે ટોળે રસ્તાઓ પર આવી જતાં વાહનોની લાંબી કતારો લાગી હતી.

નેશનલ હાઈવેના નિર્માણ પછી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને કારણે સ્થાનિક લોકોના ઘર અને દુકાનોમાં પાણી ઘૂસી જવાને કારણે લોકોમાં રોષ જોવા મળતા લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ભારે વરસાદને કારણે ડુંગરો પરની ભેખડો પણ ધસી પડી હતી અને રસ્તાઓ પર ડુંગરના પથ્થરોના ખડકલા જોવા મળ્યા હતા.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *