આચાર્યની ગંદી કર્તુત ? શિક્ષણ જગતને શર્માસર કરતો વિડીયો થયો વાયરલ
પુણાની શાળાના આચાર્યએ વિદ્યાર્થીને નગ્ન કરીને માર માર્યો
શિક્ષણ સમિતિ દ્વારા વિડીયો ત્રણ મહિના પહેલાનો હોવાનું જણાવ્યું
આચાર્ય સામે કોઈ કાર્યવાહી કર્યા વગર માત્ર બદલી કરતા લોકોમાં રોષ જોવા મળ્યો
સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલ શિક્ષણ સમિતિની શાળામાં એક શર્મસાર કરતો વિડીયો વાયરલ થયો હતો જેમાં એક વિદ્યાર્થીને સંપૂર્ણ નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો. વિડીયો ત્રણ માસ પહેલાનો હોવાની વાત સામે આવી છે જોકે શિક્ષણ સમિતિ દ્વારા વિકૃત માનસિકતા ધરાવતા આચાર્ય સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી..
સુરત શહેરની પાલિકા સંચાલિત શાળાઓ અનેકવાર વિવાદમાં આવી ચૂકી છે અને વારંવાર વિદ્યાર્થીઓ સાથે હેરાનગતિ કરવામાં આક્ષેપો પણ થયા છે ત્યારે સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલ શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષણ જગતને શર્માસર કરતી ઘટના બનવા પામી હતી. પુણા વિસ્તારની શાળાનો એક વિડીયો વાયરલ થવા પામ્યો હતો જેમાં એક વિદ્યાર્થીને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો અને બાળક રીતસરનો તડપતો જોવા મળ્યો હતો. જે વિડીયો ત્રણ માસ પહેલાનો હોવાની વાત સામે આવી રહી છે જોકે આ ઘટનાને ડામી દેવા માટે પ્રશાસને ભરપૂર પ્રયાસો કર્યા હતા અને બાળકના વાલી વારસને કોઈ મળવા પણ નથી ગયા.
જોકે આચાર્ય સામે કોઈ શિક્ષાત્મક પગલાં સસ્પેન્ડ અથવા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો નથી માત્ર બદલી કરીને મામલાને રફેદફે કરી દેવામાં આવ્યો હતો. જોકે વિડીયો વાયરલ થતા સમગ્ર હકીકત સામે આવી હતી જેમાં વિરોધ પક્ષ દ્વારા પણ અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું કે જો કાર્યવાહી કરવામાં ન આવે તો પોલીસ કમિશનરને રજુઆત કરી કાર્યવાહીની માંગણી કરવામાં આવશે. હાલ તો સમગ્ર મામલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને રાક્ષસી માનસિકતા ધરાવતા શિક્ષણ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.