ઘટના છે તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લાની
હોસુરના રહેવાસી સતીશ કુમારના ઈલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી.
તમિલનાડુ,
ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ક્યારેક ઇલેક્ટ્રિક સ્કૂટરને ચાર્જ કરતી વખતે આગ લાગી હોવાના અહેવાલો છે, તો ક્યારેક તે રસ્તામાં ચાલુ સ્કૂટરે આગ પકડે છે. ડીલરશીપમાં પણ આગ લાગવાના કિસ્સાઓ બન્યા છે. તાજેતરનો મામલો તામિલનાડુનો છે અને આ ઘટનામાં ઈલેક્ટ્રિક સ્કૂટર ચાલુ હતું એ દરમિયાન આગની ઘટના બની.
સીટ નીચે અચાનક આગ
સ્કૂટર ઓનર સતીશને અચાનક ખબર પડી કે સીટની નીચે આગ લાગી છે. ત્યાર બાદ તે સ્કૂટરથી સાઇડમાં ખસ્યો.. થોડીવારમાં આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું.. સતિષ અને ત્યાંથી પસાર થતા લોકોએ પણ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો. સતીશે ગયા વર્ષે આ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદ્યું હતું.
આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે
ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે અને હવે તે એક મોટો મુદ્દો બની ગયો છે. તાજેતરમાં આવી જ એક ઘટનામાં પિતા-પુત્રીના મોત થયા હતા. વેલ્લોર જિલ્લાના આ કિસ્સામાં તે ઘરે ઇલેક્ટ્રિક સ્કૂટર ચાર્જ કરી રહ્યો હતો. આ દરમિયાન વિસ્ફોટ થયો અને ધુમાડાના કારણે શ્વાસ રૂંધાવાથી બંનેના મોત થયા. તો તિરુચિરાપલ્લી જિલ્લાના મનપ્પરાઈમાં પણ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી હતી.
સરકાર ઉચ્ચસ્તરીય તપાસ કરી રહી છે
તેલંગાણામાં ઘરમાં બેટરી ચાર્જ કરતી વખતે વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયું હતું. તાજેતરમાં, એક વાયરલ વિડિયો સામે આવ્યો જેમાં એક પરેશાન ગ્રાહકે ગધેડા પરથી ઓલાનું સ્કૂટર ખેંચ્યું અને શહેરભરમાં પરેડ કરી. એ જ રીતે, થોડે દૂર ચાલ્યા પછી રોકાઈ જવાથી નારાજ એક ગ્રાહકે પોતાના ઈલેક્ટ્રિક સ્કૂટર પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. થોડા દિવસો પહેલા ઓકિનાવામાં એક ડીલરશીપમાં આગ લાગવાની ઘટના બની હતી. આ બાબતોને ધ્યાનમાં રાખીને સરકારે પહેલાથી જ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.