મુંબઈ,તા.૧૭
ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં મુસ્લિમ વડીલના દાઢી કાપવાના મામલે પોલીસે બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર વિરુદ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદમાં સ્વરા ઉપરાંત, અરફા ખાનમ શેરવાની, આસિફ ખાન, ટિ્વટર ઈંડિયા અને ટિ્વટર ઈંડિયા હેડ મનીષ મહેશ્વરના નામનો પણ સમાવેશ છે.
આ લોકો પર મામલામાં ભડકાઉ ટ્વીટ કરવાનો આરોપ લાગ્યો છે. વકીલ અમિત આચાર્યાએ બધા વિરુધ તિલક માર્ગ પોલીસ મથક પર ફરિયાદ કરી છે. જાે કે હજુ એફઆઈઆર થઈ નથી. પોલીસનુ કહેવુ છે કે તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે.
આ મામલે અગાઉ ઘણા પત્રકારો અને નેતાઓ સામે પણ ફરિયાદો નોંધાઈ છે. પોલીસે પત્રકાર રાણા અયુબ, સબા નકવી, શમા મોહમ્મદ, મસ્કૂર ઉસ્માની કોંગ્રેસના નેતા સલમાન નિઝામી સહિતના અનેક લોકો સામે ગેરમાર્ગે દોરનારી પોસ્ટ કરવા બદલ કેસ નોંધ્યો છે. નોંધાયેલી એફઆઈઆર મુજબ આ લોકોએ સંપૂર્ણ માહિતી વિના ઘણાં ટ્વીટ કર્યા છે, જેને હજારો લોકોએ રીટવીટ કર્યા હતા, જ્યારે ટિ્વટર પણ આ મામલે સવાલ હેઠળ છે. તાજેતરમાં જ, શ્રેણીબદ્ધ ટવિટમાં રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં જે પણ બન્યું તે ફેક ન્યૂઝ સામેની લડતમાં ટિ્વટરનુ મરજી મુજબનુ વલણ બતાવે છે.
ગાઝિયાબાદમાં એક વૃદ્ધને માર મારવાના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે. પીડિત વ્યક્તિએ દાવો કર્યો છે કે તેમને માર મારનારાઓએ તેમને ‘જય શ્રી રામ’નો જાપ કરવા કહ્યું હતું. પોલીસે આ કેસમાં કોઈ સાંપ્રદાયિક બાજુ હોવાની વાતને નકારી કાઢતા કહ્યું છે કે સુફી અબ્દુલ સમદને માર મારનારા લોકોમાં હિંદુ-મુસ્લિમ મળીને ૬ લોકો હતા અને બધા તેમના દ્વારા વેચાયેલા વેચેલા તાવીજથી નારાજ હતા.