Safeer News

Breaking News from Ahmedabad

મારૂ મંતવ્ય

સાસ વહુની જોડી : આધુનિક જમાના માટેની પ્રેરક ટૂંકી વાર્તા…એક પિતાની પોતાની દીકરીને અનોખી શીખ

અમિત પંડ્યા – વસ્ત્રાલ, અમદાવાદ

લગ્નના એક મહિના પછી પૂજા પહેલી વખત પિયર રોકાવા માટે આવી હતી ત્યારે તેનું મોઢું જોઈને પિતા સમજી ગયા કે, દીકરીનો ચહેરો કંઈક છુપાવી રહ્યો છે.

મારી દીકરી પૂજાની ઉંમર 20 વર્ષની થઈ ચુકી હતી, છેલ્લા એકાદ વર્ષથી તેના લગ્ન માટે પાત્ર જોવાનું ચાલુ કરી દીધું હતું. પરંતુ પૂજાને પસંદ પડે તેવો છોકરો હજુ સુધી જોયો ન હતો, પૂજાનું ભણતર હજુ ચાલુ હતું અને તેને હજુ આગળ ભણવું હતું. જેથી તે લગ્ન માટે ના પાડતી હતી.

આ દરમિયાન એક છોકરાની વાત આવી અને તે પૂજાને પસંદ આવ્યો અને છોકરાને પણ પૂજા પસંદ આવી એટલે વાત આગળ વધી, પછી બંનેની સંમતિથી તે બન્નેની સગાઇ કરી અને પૂજાનું ભણતર પૂરું થાય પછી લગ્ન ગોઠવવામાં આવશે એમ નક્કી થયું. હજી તેને આગળ ભણવું છે તો ભણવા દેવામાં આવે તેવી સમજૂતી સાથે લગ્ન ગોઠવવામાં આવ્યા.
ખુબ ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા.

લગ્નના એક મહિના પછી પૂજા પહેલી વખત પિયર રોકાવા માટે આવી હતી ત્યારે તેનું મોઢું જોઈને પિતા સમજી ગયા કે, દીકરીનો ચહેરો કંઈક છુપાવી રહ્યો છે. આખો દિવસ બધા ભેગો વીત્યો પછી રાત્રે એકાંતમાં દીકરી પાસે જઈને પિતાએ પૂછ્યું કે, “બેટા તારો ચહેરો કેમ એવો ઉતરેલો છે..? તને કંઈ થયું છે..?” દીકરીએ કહ્યું, “ના રે ના કંઈ જ નથી.” પિતાએ ફરી પૂછ્યું ત્યારે દીકરીએ બધી વાત કરી અને પછી કહ્યું કે, “મારા અને મારા સાસુ વચ્ચે જરા પણ બનતું નથી. પતિ, સસરા બધા ખુબ જ સારા છે પરંતુ સાસુ બહુ જ ખરાબ છે, વાતવાતમાં ટોક ટોક કર્યા કરે છે.” દીકરીના પિતાને આ થોડી ગંભીર વાત લાગી એટલે કહ્યું કે, “હું તને આ વાતનું સોલ્યુશન કાલે કહીશ.” એમ પિતા પોતાના રૂમમાં જતા રહ્યાં, દીકરી પણ સુઈ ગઈ.

બીજા દિવસે સવારે જાગીને તૈયાર થઈ નાસ્તો કર્યો, તેના પિતા પણ તૈયાર થઈને આવ્યા નાસ્તો કર્યો અને દીકરીને કહ્યું કે, “હું તને આજે તારા પ્રોબ્લેમનું સોલ્યુશન આપી દઈશ.” પિતાએ તેને કહ્યું કે, બેટા તારે તારા સાસુ દુશ્મન બરાબર છે પણ કહેવાય છે કે, દુશ્મનને હરાવવો હોય તો તેને સારી રીતે જાણવો પડે, તું તારી સાસુ સાથે 3 મહિના સુધી હું કહું તેમ રહેજે અને પછી આપણે તારા સાસુ અને તારા ઘર વિશે બધું જાણીને પછી કેસ કરીશું અને બધાને ફસાવી દઈશું.”
દીકરીને પણ લાગ્યું કે, 3 મહિનાનો જ સવાલ છે તો તેનણે હા પાડી અને કહ્યું, “પણ મારે રહેવાનું કેમ એ તો કહો” ત્યારે તેના પિતાએ જવાબ આપતા કહ્યું કે, “જો તારે 3 મહિના સુધી તારા સાસુ અને ઘરના બધા લોકો સાથે એકદમ પ્રેમથી રહેવું પડશે, તું એક આદર્શ વહુ બનીને રહેજે અને તારા સાસુ કંઈપણ કહે તો તેની સામે ન બોલતી અને હા સાસુની ખુબ જ સેવા કરજે, જેથી બધાને એવું લાગે કે, તું એક આદર્શ વહુ છે અને એ લોકો જ ખરાબ છે. 3 મહિના થાય એટલે પછી આપણે મેં કહ્યું તેમ કરીશુ.” દીકરી થોડા દિવસ રોકાઈને ફરી પાછી સાસરીમાં રહેવા માટે ગઈ.

સાસરીમાં ગયા પછી પૂજા એકદમ જાણે બદલાઈ ગઈ. જે વહુને સાસુની વાતો નહોતી ગમતી તે હવે બધું મૂંગા મોઢે સહન કરવા લાગી અને તેના સાસુની ખુબ સેવા કરવા લાગી. સાસુ કંઈ કહે તો તે સાંભળી લે અને તેનો જવાબ ગુસ્સાની જગ્યાએ હસીને દેવા લાગી. વહુ આટલી બદલાઈ ગઈ એટલે એની સીધી અસર તેના સાસુ પર પણ પડી, સાસુને હવે તે વહુ ગમવા લાગી. તે બધા પાડોશીના મોઢે પોતાની વહુના વખાણ કરવા લાગ્યા. સાસુને પગ દબાવી દેતી તેમજ તબિયત સારી ન હોય ત્યારે ખુબ સેવા કરતી. હવે  સામેસ બાજુ સાસુ પણ કોઈ દિવસ વહુને ઊંઘ આવી ગઈ હોય તો પહેલા જગાડી દેતા અને હવે તેની જગ્યાએ તે વહુને ઓઢાળીને સૂવળાવી દેતા. આ બધું જોઈને વહુને તેની સાસુ સારી લાગવા લાગી.

પિતાની વાતો પર હવે થોડો અવિશ્વાસ થવા લાગ્યો વિચાર્યું કે, એવું ન કરવું જોઈએ, અને એક દિવસ તેને તેના પિતાને ફોન કર્યો ત્યારે સામે પિતાએ ફોન ઊંચક્યો અને કહ્યું, “બોલ બેટા, કેસ નથી કરવો ને હવે..?” દીકરીને આશ્ચર્ય થયું, તેને પિતાને કંઈ વાત નહોતી કરીને તેમને કેમ ખબર પડી, તેણે કહ્યું “ના, મને હવે આ ઘર ખુબ જ ગમે છે, અને હું મારા સાસુની ફેવરિટ થઈ ગઈ છું.” પિતાએ હસીને કહ્યું, “મેં તને પહેલા એમ કહ્યું હોત કે, તારે બધું સહન કરવું પડશે અને તારા સ્વભાવમાં પણ સુધારો કરવો પડશે, તો કદાચ તને હું પણ ખરાબ લાગ્યો હોત..! પરંતુ તને સમયે જ શીખવાડી દીધું કે, જો તું તારી જાતને બદલી શકીશ તો તારી સાસુ પણ બદલાઈ જશે.” આજે એ દીકરીની ઉંમર 34 વર્ષની છે અને હસતી રમતી ખિસકોલીની માફક પરિવારને એક કરી સુખીને સમૃદ્ધ જીવન વિતાવી રહી છે.

પરંતુ આજના સમયમાં આવી શિખામણ માતા કે, પિતા આપતા નથી પણ આમ કહે છે કે, ઘરે પાછી આવી જાવ પછી તેમને જોઈ લઈશું જેથી કરી આજના સમયે દીકરીઓનું લગ્ન જીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં જણાવજો કે, સ્ટોરી કેવી છે. સમજાય તેને મારા વંદન…🙏🏻

અમિત પંડ્યા – વસ્ત્રાલ, અમદાવાદ