(Abrar Ahmed Alvi)
ગુજરાતી સર્જક અનિલ જોશીનું 85 વર્ષની ઉમરે મહાશિવરાત્રીના પર્વની સવારે નિધન થયું છે. કવિ અનિલ એક ઉમદા સર્જક હતા. અનિલ જોશીના નિધનથી ગુજરાતી કાવ્ય સાહિત્યને ખોટ પડશે. અનિલ જોશી 2010માં નરસિંહ એવોર્ડથી સન્માનિત થયા હતા.
અમદાવાદની H. K. કૉલેજથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે B.A થયા, ત્યારબાદ હિંમતનગર અને અમરેલીમાં શિક્ષણ ક્ષેત્રે રહ્યાં. ૧૯૭૭થી તેઓ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેન્ગવેજ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર રહ્યા હતા.
ગુજરાતી સાહિત્યને ઉત્તમ કાવ્યો આપનાર જાણીતા કવિ અનિલ જોશીએ દુનિયાને અલવિદા કહ્યું. આજે તેમણે અંતિમ શ્વાસ લીધા. અનિલ રમાનાથ જોશી કવિ ઉપરાંત નિબંધકાર તરીકે પણ જાણીતા છે.
જન્મ સ્થળ ગોંડલ.
તેમની જાણીતી કવિતા પૈકી એક અહીં તેમની યાદમાં પ્રસ્તુત છે….
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !
પંખી સહિત હવા ચાતરીને જાય
એવું આષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.
માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !
એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?
બરફમાં હું ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !