Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ અમદાવાદ

રિવરફ્રન્ટ પર આવેલી એક કલાત્મક મસ્જિદ ઇતિહાસ પ્રેમીઓ અને ટુરિસ્ટોની નજરોથી ઓઝલ કેમ છે..?

✍️ અશોકકુમાર હંસદેવજી સાગઠિયા..
સંપર્ક – ૯૪૨૬૨૪૯૬૦૧

મસ્જિદ પરિસરમાં જ ‘બાબા લૂઅ્લૂઇ’ની દરગાહ આવેલી હોવાથી આ મસ્જિદ ‘બાબા લૂઅ્લૂઇ’ના નામથી પ્રસિધ્ધ થઇ, અપભ્રંશ થઇ ‘બાબા લવલવી’ની મસ્જિદ તરીકે ઓળખાય છે.

મને અમદાવાદમાં સાબરમતીના કાંઠે જમાલપુર વિસ્તારમાં રિવરફ્રન્ટના કાંઠે આવેલી ‘બાબા લવલવી’ની મસ્જિદ જો કે, અમદાવાદના પ્રવાસન નકશા પર જોવા મળી નહોતી, પણ અનાયાસે રવિવારી બઝારની મુલાકાત લેવા નીકળ્યો અને ધૂનમાં આગળ નીકળી ગયો અને યુ ટર્ન લીધો કે, નદી કિનારે સંપૂર્ણ શાંત વાતાવરણમાં સમાધિસ્થ થઈ હોય તેવી પુરાતન મસ્જિદ મારી આંખો સામે આવી ગઈ. ૧૫મી સદીમાં નિર્માણ પામેલી ‘બાબા લવલવી’ની આકર્ષક મસ્જિદનું સ્થાપત્ય ઇતિહાસના પુસ્તકના કોઈ વિસરાઇ ગયેલા પૃષ્ઠના શાંત ચિત્તે અધ્યયન કરવા જેવું છે. મસ્જિદની આભા અને શાંતિ હ્રદયને સ્પર્શ કરી જાય છે.

સુલતાન અહમદશાહે ચાર અહમદ અને બાર બાબા (વલીઓ)ના વિધિવત્ત આશીર્વાદ સાથે અમદાવાદ શહેરની સ્થાપના કરી. આ બાર વલીઓ પૈકીના એક હઝરત અબુમુહમ્મદ અલ્જોહરી (રેહમતુલ્લાહ અલૈહ) કે, જેઓ પૂર્વાશ્રમમાં લુઅ્લુઈ એટલે કે, હિરા અને મોતીની પરખ કરી શકે તેવા નિષ્ણાત ઝવેરી હોવાથી ‘બાબા લુઅ્લુઈ’ (રેહમતુલ્લાહ અલૈહ) તરીકે પણ ઓળખાતા હતા. ‘બાબા લુઅ્લુઈ’ (રેહમતુલ્લાહ અલૈહ) સુફી પરંપરાને અનુસરતા ચિશ્તી સંપ્રદાયના દિલ્હી સ્થિત ઓલિયા ‘હઝરત નિઝામુદ્દીન અવલીયા’ (રેહમતુલ્લાહ અલૈહ)ના તેમજ ‘હઝરત નસીરૂદ્દીન ચિરાગ દહેલવી’ના મુરીદ અને ખલિફા હતા. તેઓ તેમના આદેશથી જ ગુજરાતમાં આવ્યા હતા. તેઓ અમદાવાદ વસ્યું તે પહેલાંથી જ અહીં રહેતા હતા. મસ્જિદના પરિસરમાં જ ‘બાબા લુઅ્લુઈ’ની દરગાહ આવેલી છે.

આ કલાત્મક મસ્જિદનું નિર્માણ સન ૧૫૬૦માં હઝરત મુહમ્મદ બિન જાફર નામના એક હિરાના વેપારી દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ મસ્જિદ પરિસરમાં જ ‘બાબા લૂઅ્લૂઇ’ની દરગાહ આવેલી હોવાથી આ મસ્જિદ ‘બાબા લૂઅ્લૂઇ’ના નામથી પ્રસિધ્ધ થઇ, અપભ્રંશ થઇ ‘બાબા લવલવી’ની મસ્જિદ તરીકે ઓળખાય છે. આજે આ મસ્જિદ પરિસરનું સંચાલન મર્હુમ ઈર્ફાનુદ્દીન અબ્દુલ મલિક પઠાણ અને તેમના પૂર્વજો તેમજ વારસો દ્વારા કરવામાં આવે છે.

મસ્જિદના અગ્રભાગના બન્ને છેડે બારિક કોતરણીવાળા ૧૪ ફુટનો ઘેરાવો ધરાવતા મિનારા જે (ઇ.સ.૧૮૧૯ના ધરતીકંપમાં મોટું નુકશાન થયા પછી તે અડધા જ રહ્યા છે) અને નવ કમાનો અને વિશાળ બાર સ્થંભો પર સ્થિત બમણી ઉંચાઇવાળો ભવ્ય મધ્યસ્થ ધરાવતી લગભગ ૬૯ ફીટ લાંબી અને ૩૭ ફીટ પહોળી આ મસ્જિદનું આર્કિટેક્ચર ઈન્ડો-ઈસ્લામિક શૈલીઓનું મિશ્રણ છે. મસ્જિદની અંદર બે માળ જેટલા ઊંચા બાર સ્તંભો કેન્દ્રીય ગુંબજને આકર્ષક રીતે ટેકો આપે છે. મસ્જિદમાં ત્રણ આરસપહાણ પર સાદી પણ સુંદર કોતરણી કરેલા મિહરાબ છે, તો બન્ને તરફ આવેલી બાલ્કનીઓ મસ્જિદની શોભા વધારે છે. આ મસ્જિદમાં કોઈ પણ શિલાલેખો હોય તેવું મારા ધ્યાન પર આવ્યું નથી. જો આ મસ્જિદનાં મિનારાની સીડીઓ પર થઇને મસ્જિદની છત પરથી અમદાવાદ શહેરને જોવાની વ્યવસ્થા ASI દ્વારા કરવામા આવે, અને રિવર ફ્રન્ટ પરથી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તો આ કલાત્મક મસ્જિદ અમદાવાદ ઇતિહાસ પ્રેમીઓ માટે એક નવું આકર્ષણનું કેન્દ્ર બની શકે તેમ છે.

જો કે, આમ તો અમદાવાદ બન્ને મુખ્ય ધર્મોના કટ્ટરપંથીઓના કારણે હંમેશા ચર્ચામાં રહ્યું છે, પરંતુ અહીંની એક પણ મસ્જિદનું નિર્માણ કોઈ મંદિરનો ધ્વંસ કરીને કરવામાં આવ્યું હોય તેવું બન્યું નથી. ત્રણ દરવાજામાં આવેલી માતા લક્ષ્મીજીની અખંડ જ્યોત મુસ્લિમ બિરાદરોની બહુમતી ધરાવતા વિસ્તારમાં પણ વર્ષોથી પ્રજ્વલિત રાખવામાં આવેલ છે. ધાર્મિક સૌહાર્દના અનેક કિસ્સાઓ શહેરની શેરી ગલીએ જાણવા મળે છે. વસંત રજ્જબના બલિદાન આ શહેર વિસારે પાડી શકે તેમ નથી. મને પણ આવા એક મિત્ર અને ઈતિહાસના જ્ઞાતા અને વિગતોનું તટસ્થ ભાવે મુલ્યાંકન કરવાની ક્ષમતા ધરાવતા શ્રી આસીફભાઈ શેખ મળ્યા છે. જો કે અમે હજુ સુધી રૂબરૂ મળ્યા નથી પણ મારી કલમને તેમના સ્પર્શનો લાભ મળી રહે છે, તે માટે હું તેમનો આભારી છું.

✍️ અશોકકુમાર હંસદેવજી સાગઠિયા..
સંપર્ક – ૯૪૨૬૨૪૯૬૦૧