Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : “એસોશીએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ” (APCR ), ગુજરાત ચેપ્ટરનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો

વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળે પ્રશ્ન કર્યો હતો કે, “બળાત્કારનો આરોપી જ્યારે મુસ્લિમ સમુદાયનો હોય છે ત્યારે મીડિયા તેને વિધર્મી કહે છે, તો પ્રશ્ન ઊભો થાય છે કે, જ્યારે આરોપી હિન્દુ હોય તો શુ તેને ધર્મી કહી શકાય..?”

“APCR”ના જનરલ સેક્રેટરી નદીમખાને જણાવ્યું હતું કે, “મુસ્લિમોને જાહેરમાં પ્રતાડિત કરવામાં આવે છે અને મોબલીંચિંગ કરવામાં આવે છે.

અત્યાચારની સામે માત્ર સંવિધાન અને કાયદાકીય લડાઈ જ એકમાત્ર હથિયાર : APCRના જનરલ સેક્રેટરી 

અમદાવાદ,તા.૨૦ 

શહેરના એલીસબ્રીજ અર્ટિલા ઇન ખાતે  “એસોશીએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ” (APCR ), ગુજરાત ચેપ્ટરનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય સ્તરના એક્ટીવિસ્ટ્સ, કાયદાના નિષ્ણાતો અને અત્યાચારની વિરુદ્ધ હંમેશા પોતાની અવાજ બુલંદ કરતા બુદ્ધિજીવીઓ જોડાયા હતા.

આપ જાણો છો કે, “APCR”એ ભારતના સર્વે નાગરિકો માટે એમના લીગલ અધિકારો માટે વર્ષોથી લડત લડી રહી છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં બુલડોઝર કાર્યવાહી વિરુદ્ધ જે પિટિશન રિવાઇઝ થઈ એમાં APCRનો સૌથી મહત્વનો ફાળો રહ્યો છે. “APCR”એ ઉદેપુર, મધ્ય પ્રદેશ અને ખરગાંવ અને બીજા ઘણા બધા બનાવોમાં સરકાર સામે લીગલ લડત લડી રહી છે.

“એસોશીએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ” ગુજરાત ચેપ્ટરના લોન્ચિંગ કાર્યક્રમમાં ગુજરાતના પ્રમુખ એડવોકેટ શમશાદખાન પઠાણે જણાવ્યું કે, “દેશમાં લઘુમતીઓ, દલિતો અને આદિવાસીઓ વિરુદ્ધ અત્યાચારોમાં દિનપ્રતિદિન વૃધ્ધિ થતી જઈ રહી છે. તેમના બંધારણીય અધિકારોની રક્ષા કાજે આજે “APCR” ગુજરાત ચેપ્ટરનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના એક્ટીવિસ્ટ્સ અને કાયદાના નિષ્ણાતોએ ઉપસ્થિત રહીને અમને પ્રોત્સાહન પુરું પાડ્યું છે અમે તેમના આભારી છીએ.”

નવજીવન ચેનલના વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળે જણાવ્યું હતું કે, “અપરાધ માત્ર અપરાધ હોય છે. અપરાધી કોઈપણ હોય તેને યોગ્ય સજા થવી જ જોઈએ. પરંતુ બળાત્કારનો આરોપી જ્યારે મુસ્લિમ સમુદાયનો હોય છે ત્યારે મીડિયા તેને વિધર્મી કહે છે, તો પ્રશ્ન ઊભો થાય છે કે, જ્યારે આરોપી હિન્દુ હોય તો શુ તેને ધર્મી કહી શકાય..?”

રિટાયર્ડ પ્રિન્સીપાલ સેશન જજ જ્યોત્સના યાગ્નિકે જણાવ્યું હતું કે, “સંવિધાન મુજબ સૌને ન્યાય અને સમાનતાનો અધિકાર છે. પરંતુ જ્યારે તેમના અધિકારોનુ છડેચોક ઉલ્લંઘન થાય છે ત્યારે સામન્ય માનવીનો શાસન અને કાયદા પરથી વિશ્વાસ ઉઠી જાય છે.”

કર્મશીલ ભાવના રામરખિયાનીએ જણાવ્યું હતું કે, “અત્યાચાર સંદર્ભે તેની સંખ્યા, તેની અસરો અને તેનો આશય નહીં સમજીએ ત્યાં સુધી તેની સામે લડવાનો જુસ્સો પ્રાપ્ત નહીં થાય. તેમણે લઘુમતીઓ મુખ્યત્વે મુસ્લિમો વિરુદ્ધ અત્યાચારોના ડેટા દ્વારા ગંભીર પરિસ્થિતિનુ નિરૂપણ કરીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 6600 બળાત્કાર થયા છે, જેમાંથી 1000 તો માત્ર અમદાવાદમાં થયા છે. પછી ગુજરાતને સૌથી સુરક્ષિત રાજ્ય કયા આધારે કહી શકાય..?”

દિલ્હીના પ્રોફેસર અપૂર્વાનંદજીએ પોતાની લાક્ષણિક શૈલીમાં જણાવ્યું હતું કે, “અત્યાચારની વિરુદ્ધ લડવું ફરજિયાત છે. તમારી લડાઈ કોઈ અન્ય નહીં લડે તમારે પોતે લડવી પડશે.” તેમને આગળ ઉમેર્યું હતું કે, “દેશમાં સૌથી વધારે અન્યાય મુસ્લિમો સાથે થઈ રહ્યો છે તે આપણે સ્વીકારવું પડશે. સરકાર પોતે કાયદાઓ દ્વારા તેમને નિમ્ન કક્ષાએ લઈ જઈ રહી છે. તેમણે તેમના બંધારણીય અધિકારોની સુરક્ષા માટે “APCR”ની રચના કરવી પડે તે જ શરમજનક બાબત ગણાય. ટ્રેનમાં પ્રજાની રક્ષક પોલીસ જ જ્યારે માત્ર મુસ્લિમ હોવાને કારણે 3 લોકોની હત્યા કરી દે તો જીવન જ અનિશ્ચિત બની જાય છે. વધુમાં મીડિયા રાત-દિવસ મુસ્લિમો વિરુદ્ધ પ્રોપેગંડા ઘડતું રહે છે. લોકસભા ચૂંટણીમાં સંસદમાં વિપક્ષ મજબૂત થયું છે પરંતુ મુસ્લિમો જાહેરમાં વધારે કમજોર થયા છે.”

દિલ્હીથી પધારેલા “APCR”ના જનરલ સેક્રેટરી નદીમખાને જણાવ્યું હતું કે, “મુસ્લિમોને જાહેરમાં પ્રતાડિત કરવામાં આવે છે અને મોબલીંચિંગ કરવામાં આવે છે. મુસ્લિમો નથી રડી શકતા કે, નથી વિરોધ કરી શકતા. અત્યાચારની સામે માત્ર બે જ રીતે લડી શકાય છે, એક રાજકીય રીતે, બીજું કાયદાકીય રીતે. રાજકીય લડાઈ આપણે હારી ગયા છીએ, હવે માત્ર કાયદાકીય લડાઈનો માર્ગ જ બચ્યો છે. ભલેને ન્યાય મળવાની સંભાવના ખુબ જ ઓછી હોય તેમ છતાં આપણી પાસે માત્ર બંધારણીય અને કાયદાકીય લડાઈ જ એકમાત્ર હથિયાર છે.”

કાર્યક્રમના અંતમાં અધ્યક્ષ જસ્ટિસ થિપસેએ જણાવ્યું હતું કે, “ભારતની સંસ્કૃતિને મહાન ગણાવી તેના ગુણગાનમાં દેશની સમસ્યાઓને ભુલાવી દેવામાં આવી રહી છે. મુસ્લિમોના ભારત આગમન પછી દેશની દશા બગડી છે તેવા આરોપ સાથે તેમને નાગરિક નહીં બહારના ગણવામાં આવી રહ્યા છે. તેથી જ હિન્દુ રાષ્ટ્રની આવશ્યકતા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. હિન્દુ રાષ્ટ્ર હિન્દુઓ માટે પણ સારું નહીં હોય તેવી તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી.”

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન “APCR” ગુજરાતના સેક્રેટરી ઇકરામ બેગ મિરઝા દ્વારા કરવામાં આવ્યું હતું.