Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

જામનગરમાં બે બાળકોનું ચાંદીપુરા વાઇરસથી મોત : ૪ બાળ દર્દીઓ સારવાર હેઠળ

મંગળવારે સારવાર અર્થે આવેલા લાલપુરના ૧૧ વર્ષને ૮ માસના એક બાળકનું બુધવારે સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં હોસ્પિટલ વર્તુળમાં દોડધામ થઈ છે.

જામનગર, તા. ૨૪
રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગરમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા હતા કે, બે બાળકનું ચાંદીપુરા વાઇરસથી મોત નીપજતા સનસનાટી મચી ગઈ છે.  જીજી સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જામનગરના ગુલાબનગર વિસ્તારના પાંચ વર્ષના બાળકનું ચાંદીપુરા વાઇરસના લીધે મોત નીપજતા હોસ્પિટલના વર્તુળોમાં ભારે દોડધામ મચી ગઈ છે.

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા પાંચ વર્ષના એક બાળકને ગઈકાલે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણ જણાયા હોવાથી ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન બુધવારે સવારે તેનું નિધન થયું છે. આ સિવાય મંગળવારે સારવાર અર્થે આવેલા લાલપુરના ૧૧ વર્ષને ૮ માસના એક બાળકનું બુધવારે સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં હોસ્પિટલ વર્તુળમાં દોડધામ થઈ છે.

જામનગર અને લાલપુરમાં આરોગ્ય વિભાગની ટુકડી પણ દોડતી થઈ છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસની બીમારીના કારણે મૃત્યુનો આંક ૩ નો થયો છે અને હાલ ૪ બાળ દર્દીઓ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત જામનગર તાલુકાના સિક્કા ગામની છ વર્ષની એક બાળકી તેમજ લાલપુરના પડાણાની પાંચ વર્ષની એક બાળકીની જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દી તરીકે સારવાર મેળવી રહ્યા છે, જે બંને બાળદર્દીના રિપોર્ટ આજે સવારે નેગેટિવ આવ્યા છે, જેથી આરોગ્ય તંત્રએ થોડો રાહતનો શ્વાસ લીધો છે.

ગુજરાતમાં મંગળવારે (૨૩ જુલાઈ) ચાંદીપુરાના શંકાસ્પદ ૧૪ કેસ નોંધાયા હતા. આ સાથે જ શંકાસ્પદ કેસનો આંક વધીને ૧૦૧ થયો છે. પોઝિટિવ કેસમાં હજુ કોઈ વધારો થયો નથી અને તે હાલ ૨૨ છે. આજે અમદાવાદ કોર્પોરેશન અને ગાંધીનગર ગ્રામ્યમાંથી ૧-૧ના શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ થયા છે. આ સાથે જ શંકાસ્પદ ચાંદીપુરાથી મરણાંક વધીને ૩૮ થયો છે. ચાંદીપુરાથી સૌથી વધુ પંચમહાલમાં પાંચ જ્યારે અમદાવાદમાં ચારના મૃત્યુ થયા છે. ગુજરાતમાં હાલ વાયરલ એન્કેફેલાઈટિસ (શંકાસ્પદ ચાંદીપુરા)ના ૪૯ કેસ છે અને તેમાંથી ૧૪ને રજા અપાઈ છે.

 

(જી.એન.એસ)