Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહિ જંગ છેડી છે : ગૃહ રાજ્યમંત્રી

ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસ દેશમાં અવ્વલ

અભિનેતાઓ, નેતાઓ, સંતો-મહંતો, સામાજિક અગ્રણીઓ, શિક્ષણવિદો, પત્રકારો સહિત તમામ નાગરિકો ‘એક પરિવાર’ બનીને ડ્રગ્સ સામે લડીએઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

અમદાવાદ,તા. ૨૪
અમદાવાદ ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી ‘એન્ટી ડ્રગ કેમ્પઈન’ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહિ જંગ છેડી છે. શ્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ સૌથી પહેલા ડ્રગ્સના દુષણને ડામવા આરપારની લડાઈ લડવા ગૃહ વિભાગને નિર્દેશ આપ્યા હતા.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હાકલ કરી કે, સંતો-મહંતો, નેતાઓ-અભિનેતાઓ, સામાજિક અગ્રણીઓ, શિક્ષણવિદો, પત્રકારો સહિત તમામ નાગરિકોએ ‘એક પરિવાર’ બનીને ગુજરાતના યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલથી દૂર રાખવા સહયોગ આપે. ડ્રગ્સ સામેની આ લડાઈ દાનવ સામે માનવની લડાઈ છે. એમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ડ્રગ્સ સામે ઘૂંટણીયા ટેકવીને વિશ્વના અનેક દેશોએ તેને કાયદેસર કર્યું છે. ભારતના પાડોશી દેશો પણ ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા અને નાર્કોટેરેરીઝમને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરી રહ્યા છે. કેફી દ્રવ્યોનો વેપાર ઓછી મહેનત અને ઓછા સમયમાં અનેકગણા વધુ રૂપિયા કમાવી આપતો વેપાર છે. પરંતુ ગુજરાત પોલીસ આ કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા તત્પર છે. જેના પરિણામે ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસ દેશમાં અવ્વલ છે. આ અભિયાનમાં જાેડાયેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને ખબરીઓનો જુસ્સો વધારવા માટે નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસીની ગુજરાતમાં અમલવારી થઈ રહી છે.

આજના અવસરે રાજ્યપોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, નાર્કોટિક્સ એકટ અંગે જે પગલાં લેવાઈ રહ્યા છે તેની જાણકારી મીડિયાના માધ્યમથી નાગરિકો સુધી પહોંચે અને જાગૃતતા વધે તે મુખ્ય ઉદ્દેશ્ય છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કેફી દ્રવ્યોના દુષણને ડામવા કટિબદ્ધ છે. જેની પ્રતીતિ મીડિયાના માધ્યમથી લોકોને થવી જાેઈએ.
આજે મીડિયાનું મહત્વ વધ્યું છે ત્યારે કેફી દ્રવ્યો સામેની લડાઈમાં લોક સહયોગ મળે તે જરૂરી છે. સાથોસાથ કેફી દ્રવ્યોના દુષણને ડામવા માટે ગ્લોબલ ટ્રેન્ડ પણ ધ્યાનમાં રખાયો છે.

આ ઉપરાંત ડ્રગ્સના વિવિધ પ્રકારો, ડ્રગ્સ સપ્લાય ચેઇન, વિવિધ દેશોમાં નેટવર્ક તેમજ ભારતના બંધારણના ડ્રગ્સ વિરોધી કાયદાઓ વિષયક માહિતીસભર પ્રેઝન્ટેશન આપ્યું હતું.

આ ઉપરાંત આજના પ્રસંગે ગુજરાત એટીએસના વડા દીપેન ભદ્રન તેમજ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પ્રેઝન્ટેશન આપી પોલીસની ડ્રગ્સ વિરોધી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.

આજના કાર્યક્રમમાં પોલીસ મહાનિદેશક- લૉ અને ઓર્ડર ડૉ. શમશેર સિંહ, અધિક પોલીસ મહાનિદેશક (ઇન્ટેલિજન્સ) આર. બી. બ્રહ્મભટ્ટ, અધિક પોલીસ મહાનિદેશક સીઆઈડી ક્રાઇમ અને રેલવે રાજકુમાર પાંડિયન તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વિવિધ સમાચાર માધ્યમોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

 

(જી.એન.એસ)