10 કરોડના રોડમાં ભ્રષ્ટાચાર…!! જાગૃત નાગરિકોએ ડબ્બામાં 1-1 રૂપિયો લોકો પાસેથી ભ્રષ્ટ અધિકારીઓને આપવા ઉઘરાવ્યા
બાયડનો ઓઢા-ગાબટ 10 કરોડ રૂપિયા જેટલી માતબર રકમમાંથી બનેલ રોડ પ્રથમ વરસાદમાં જ રોડ પર તિરાડો પડી જતા અને બેસી જતા જાગૃત નાગરિકોએ રોડ પર બેસણું યોજતા વાહનચાલકો અને લોકોમાં ભારે અચરજ ફેલાયું
ગુજરાત સરકારના વિભાગો તેમજ બોર્ડ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર દૂર કરવો કઠિન બનતો જાય છે. સરકારી ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની ચેનલના કારણે લાંચ લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. કર્મચારીઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે ગુજરાત સમગ્ર દેશમાં ભ્રષ્ટાચારી રાજ્ય તરીકે મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે તો નવાઈ નહીં. કેન્દ્ર અને રાજ્ય સરકાર અબજો રૂપિયા ગુજરાતના વિકાસ માટે ફાળવી રહી છે.
બાયડનો ઓઢા-ગાબટ રોડ 10 કરોડ રૂપિયા જેટલી માતબર રકમમાંથી બનાવવામાં આવ્યું હતું પરંતુ પ્રથમ વરસાદમાં જ રોડ પર તિરાડો પડી જતા અને બેસી જતા જાગૃત નાગરિકો દ્વારા રોડ પર બેસણું યોજાતા વાહનચાલકો અને લોકોમાં ભારે અચરજ ફેલાયું હતું ત્યારે રોડના કામમાં તંત્રના અધિકારીઓ કોન્ટ્રાકટર અને પદાધિકારીઓની મીલીભગત થી રોડના નિર્માણમાં ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે એક જાગૃત નાગરિકે જાહેર સ્થળોએ અને રોડ પર પતરાના ડબ્બામાં એક એક રૂપિયાનો ફાળો ઉઘરાવી રોડના કામમાં ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓને આપવા માટે ગાંધીનગર રાજ્ય સરકારને લોક ફાળો આપવા જવાનું જણાવ્યું હતું. જાગૃત નાગરિકે ભ્રષ્ટાચાર ઉજાગર કરવા નવો હથકંડો અપનાવતા લોકોમાં ભારે અચરજ ફેલાયું છે.
ગાબટ ગામના સિરાજ મોડાસીયાએ માર્ગ અને મકાન વિભાગ દ્વારા 10 કરોડ રૂપિયાના ખર્ચથી બનાવવામાં આવેલા ગાબટ-ઓઢા રોડ પર સાઈડ પર મસમોટી તિરાડો પડી જતા અને રોડ સાઈડ પર માટી કામ ટેન્ડર મુજબ થયું ન હોવાથી રોડ બેસી જતા રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ભ્રષ્ટાચારી અધિકારીઓ માટે પતરાના ડબ્બામાં લોક ફાળો ઉઘરાવી ગાંધીનગર રાજ્ય સરકારને સુપ્રત કરશે તેમ જણાવ્યું હતું.