આ કિસ્સો દરેક માતાપિતા માટે લાલબત્તી સમાન છે
ગાંધીનગરના ડભાડોમાં રહેતા એક શ્રમજીવી પરિવારની બાળકી સાથે બન્યો બનાવ
ગાંધીનગર,
ગાંધીનગરના ડભાડોમાં રહેતા એક શ્રમજીવી પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આ પરિવારની દીકરી રોજ રાતે ઊંઘમા “મને છોડી દો” એવી બૂમો પાડતી હતી. આ બાદ તે રડતા રડતા બેભાન થઈ જતી હતી. આખરે માતા બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી. જેથી તેની સાથે દુષ્કર્મ થયુ હોવાનું ખૂલ્યુ હતું. માતાએ બાળકીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, પાડોશી આધેડ તેની સાથે દુર્વ્યવહાર કરતો હતો. આ બાદ માતાપિતાએ પોલીસ ફરિયાદ કરતા ગાંધીનગર પોલીસે લંબુબાપા ઉર્ફે ભીખો કાળુ સોલંકીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, દંપતી મજૂરીએ જાય ત્યારે ૮ વર્ષની બાળકી અને નાના દીકરાને ઘરે મૂકી જતા. બાળકોને સાચવવા ઘરમાં કોઈ ન હતું, તેથી તેઓ બાળકોને એકલા જ મૂકી જતા હતા. બાળકી ઘરે એકલી હોય ત્યારે પાડોશમાં રહેતો લંબુબાપા નામનો આધેડ બાળકીને દૂધ લેવા માટે મોકલતો હતો. જયારે બાળકી દૂધ લઈને આવે એટલે તેને ઘરે લઈ જતો અને દુષ્કર્મ આચરીને ધાકધમકી આપતો હતો. એક મહિના સુધી આધેડ આ રીતે બાળકીને પીંખતો રહ્યો. ડરી ગયેલી બાળકી રોજ રાતે આવી બૂમો પાડતી હતી. આ કિસ્સો દરેક માતાપિતા માટે લાલબત્તી સમાન છે, જેઓ પોતાના સંતાનોને એકલા ઘરે મૂકીને કામ પર જતા રહે છે.