“હાય, ફ્રેન્ડશીપ કરોગે ક્યા?” ગુજરાતના અનેક ગામડાઓથી માંડીને શહેરોમાં આ પ્રકારના નવતર સાયબર ક્રાઈમના બનાવો બન્યા
એક નવા જ પ્રકારના આઈડિયાથી ટીનએજર્સથી માંડીને ‘સુવાળો સંગાથ’ મેળવવા ઇરછતા યુવાનો, પુરુષો અને વૃધ્ધોને પણ યુવતીના નામે ફસાવવામાં આવી રહ્યા છે.
વોટ્સએપ વિડીયોકોલીંગ કરીને તેનું સ્ક્રીન રેકોર્ડીંગ કરી આધુનિક ટેકનોલોજીની મદદથી કોલ કરનાર બ્લેકમેઈલર નગ્ન વિડીયો તૈયાર કરી પોતાના ‘શિકાર’ને બ્લેકમેઈલ કરી મોટી રકમ પડાવે છે.
આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર યુવાપેઢી જ નહી પરંતુ આબાલ-વૃધ્ધો સૌ કોઈ કરી રહ્યા છે ત્યારે આ ટેકનોલોજીના હકારાત્મક ઉપયોગના અનેક ફાયદા છે તેના કરતા અનેકગણા નકારાત્મક ગેરફાયદા પણ જોવા મળ્યા છે. જેમાં સાયબર ક્રાઈમના અકલ્પનીય કિસ્સાઓ સમાજમાં બની રહ્યા છે.સાયબર ક્રાઈમનો ભોગ પોરબંદરમાં જ અસંખ્ય લોકો બન્યા છે. તેમાં છેલ્લા કેટલાક મહિનાઓથી એક નવા જ પ્રકારના આઈડિયાથી ટીનએજર્સથી માંડીને ‘સુવાળો સંગાથ’ મેળવવા ઇરછતા યુવાનો, પુરુષો અને વૃધ્ધોને પણ યુવતીના નામે ફસાવવામાં આવી રહ્યા છે. જેમાં રીચા શર્મા નામે ચેટ કરીને બ્લેકમેઈલરો વોટ્સએપમાં ફ્રેન્ડશીપ કરવા માટે મેસેજ મોકલે છે અને ત્યારબાદ વોટ્સએપ વિડીયોકોલીંગ કરીને તેનું સ્ક્રીન રેકોર્ડીંગ કરી આધુનિક ટેકનોલોજીની મદદથી કોલ કરનાર બ્લેકમેઈલર નગ્ન વિડીયો તૈયાર કરી પોતાના ‘શિકાર’ને બ્લેકમેઈલ કરી મોટી રકમ પડાવે છે.
આ પ્રકારના શહેરમાં જ અસંખ્ય કિસ્સાઓ બન્યા છે છતાં આબરૂ જવાની બીક પોલીસ ફરિયાદ કરવા માટે કોઈ આગળ આવતું નથી તે પણ હકીકત છે . “હાય, ફ્રેન્ડશીપ કરોગે ક્યા ?” પોરબંદર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક ગામડાઓથી માંડીને શહેરોમાં આ પ્રકારના નવતર સાયબર ક્રાઈમના બનાવો બન્યા છે. જેમાં જે તે વ્યક્તિને અજાણ્યા નંબર ઉપરથી એવો મેસેજ આવે છે કે ‘હાય ફ્રેન્ડશીપ કરોગે ક્યા ?’ અને હજુ તેનો જવાબ પણ અપાયો હોય નહી ત્યાં ‘મેં રીયા શર્મા બેગ્લોર સે રાત કો વોટ્સએપ વિડીયોકોલિંગ મેં મેરે સાથ મઝા લેના ચાહતે હો ? મેં તુમ્હે બહોત મિસ કર રહી હું ! ’આ પ્રકારના મેસેજ કરીને‘ બકરાને ફસાવવામાં આવે છે. આ પ્રકારનો પ્રસ્તાવ હોશે હોશે સ્વીકાર કરનારા અને સુવાળા સંગાથની લાલચમાં ફસાનારા ‘બુદ્ધિના બળદિયાઓ’ એ નથી સમજતા કે માત્ર બે-ત્રણ મેસેજ જેટલા જ સંપર્કમાં કોઈ યુવતી તેને કઈ રીતે ‘મિસ’ કરવા લાગી હોય ! બકરા : સાફ અસંખ્ય નવયુવાનો વિજાતીય મૈત્રીની લાલચમાં તો ઘણા પરિણિત પુરૂષો પત્નીની ‘બક્બક’ અને ‘ટકટક’થી કંટાળીને મનની વાત શેર કરવા કોઈ સારું વિજાતીય પાત્ર મળ્યું છે તેમ માનીને ‘બલીનો બકરો’ બનીને હનીટ્રેપ સ્કેન્ડલમાં ફસાઈ જાય છે તો ઝીંદગીની આથમતી સંધ્યાએ પહોંચેલા વૃધ્ધોને પણ ‘જાતી ઝીંદગીએ રૂપકડી યુવતીનું મૈત્રી માટે સામે ચાલીને ‘મણું’ આવ્યું હોય તેમ તેની જુવાની ઉછાળા મારવા લાગે છે અને મેસેજ કરનારને ‘હા, હમ તો આપ જૈસી દોસ્ત કિ દોસ્તી કે લિયે કબ સે બેકરાર હે’ કહીને તેની દોસ્તીનો સ્વીકાર કરી લે છે ! તાત્કાલિક વિડીયો કોલ માટે ઉશ્કેરણી અજાણ્યા નંબર આવે છે તે રીયા શર્મા નામની ‘બોલ્ડ’ યુવતી છે તેમ માનીને તેને વિડીયોકોલ કરીને જોવાના ‘ મનમાં લડડુ ફૂટે’તે પહેલા જ એ સામેથી જ ‘બટર’ લગાડીને ‘જાનુ મેં તુમ્હારે બગેર અબ નહી રહ સકતી હૂં તુમભી ઉતને હી બેચેન હો જીતની મેં હું ?’ કહીને શિકારને લલચાવે છે અને તાત્કાલિક વિડીયો કોલ કરે તેવી ઉત્તેજના આપે છે.
વિડીયો કોલ કરકે ‘સેક્સ’ કરેગે ! પોરબંદરમાં આ પ્રકારના સ્કેન્ડલમાં ફસાઈને બોટલમાં ઉતરેલા લોકો પાસેથી જાણવા મળેલી વિગત મુજબ ‘બકરા’ને ફસાવી દીધા બાદ રાત્રીના સમયે વિડીયો કોલિંગ સેક્સની મજા માણવા માટે જે-તે વ્યક્તિને ઉશ્કેરવામાં આવે છે અને તેની અંદર રહેલી વાસનાને ઉત્તેજીત કરવામાં આવે છે. ત્યારબાદ વિડીયો કોલિંગ કરવામાં આવે છે જેમાં સામે બેસેલી રૂપસુંદરી જેવી યુવતી તેના શરીર પર પહેરેલા કપડા એક પછી એક ઉતારે છે અને સામેની વ્યક્તિને પણ એ જ રીતે કપડા ઉતારીને ફોન સેક્સ કરવા માટે ઉશ્કેરવામાં આવે છે. બકરો પણ પુરેપુરો ફસાઈને પોતાના કપડા ઉતારવાનું શરૂ કરી દે છે. તેને એ પણ ખ્યાલ હોતો નથી કે તેની આ તમામ હરકતોનું ‘સ્ક્રીન રેકોર્ડીંગ’ થઇ રહ્યું છે. કપડા પહેર્યાં હોય તો પણ ના કરે તેવી ટેકનોલોજી ઘણા ‘શરમના પૂછડા’ પહેલા જ વિડીયો કોલમાં અજાણી યુવતી સામે નગ્ન થવામાં શરમ અનુભવતા હોય તેવા લોકોને પણ ‘જોરકા ઝટકા ધીરે સે’ લગાડીને તેવો આચકો આપવામાં આવે છે કે જેની ‘સાત પેઢી’ સુધી કલ્પના પણ કરી ના હોય ! જેને કપડા પહેર્યા હોય તો પણ આધુનિક ટેકનોલોજીની મદદથી તે નગ્ન હોય તેવો વિડીયો તૈયાર કરવામાં આવે છે. પાંચ-પંદર મિનીટ સુધીની આ મજા જીવનભર સમાજ સામે ન થવાની સજામાં પલટાઈ જાય છે.
એ રાત્રે તો સુંદર યુવતીના સુવાળા સંગાથની કલ્પના કરતા-કરતા અને ઘણા તો વિડીયો કોલ વખતે જ અશોભનીય હરકતો દ્વારા ‘તૃમ’ થઇને રીયા શર્માના સ્વપ્નોમાં ખોવાઇને ઊંઘી જાય છે ! સવારે ઉઠતા વેત ‘બ્લેકમેઈલીંગ’ શરૂ, હજુ તો ગત રાત્રીની રૂપકડી યુવતી સાથેની વોટ્સએપ કોલિંગ પર ‘મધુરજની’ની મજા માણ્યાની મીઠી નિંદરમાંથી આંખો ચોળતા-ચોળતા શિકાર ઉભા થાય તે પહેલા જ તેની આંખો ફાટી જાય તેવા વિડીયો તેની મોબાઈલ સ્ક્રીન પર ધડાધડ દ્રષ્ટિગોચર થાય છે ! ઉઠીને પાણીથી મોઢું ધોવાના ‘ હોશકોશ’ પણ ઉડી જાય છે અને એ વિડીયોની સાથો-સાથ બ્લેકમેઈલીંગ કરતા હોય તેવા સંદેશાઓ શરૂ થઇ જાય છે.
જો બેંક એકાઉન્ટ કે ગુગલ પે (Gpay) ના માધ્યમથી આટલા રૂપિયા ટ્રાન્સફર નહી કર્યા તો ‘તારો આ વિડીયો તારા સગા-સબંધીઓ, મિત્રો, તુ જ્યાં કામ કરે તે તારા બોસ અને તારી પત્ની સહિત સાસરિયાઓ સુધી પહોચી જશે’. જો યુવાન કુંવારો હોય તો ‘તારા માં-બાપ અને તારી ગર્લફ્રેન્ડ સુધી આ વિડીયો પહોચી જશે.’ જયારે કોઈ વૃદ્ધને શિકાર બનાવ્યો હોય ત્યારે ‘તારા ધોળામાં ધૂળ પડશે, તારા સંતાનો ખાસ કરીને તારી જુવાન દીકરીઓ સુધી આ વિડીયો પહોચી જશે’ કહીને તેને બ્લેકમેઈલ કરવામાં આવે છે અને મોટી રકમ પડાવવામાં આવે છે.
અસંખ્ય બનાવો છતાં લોકો બેદરકાર : પોરબંદર શહેર અને જીલ્લા સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના મોટાભાગના શહેર અને ગામડાઓમાં આ પ્રકારના અઢળક બનાવો બની ચુક્યા છે. કેટલાક બ્લેકમેઈલીંગનો શિકાર બને છે તો અસંખ્ય લોકો રીયા શર્માથી પણ ‘જાડી ચામડી’ના બનીને તેને ગણકારતા નથી કારણ કે તેને ખબર છે કે, આમાં આપણે એક જ ફસાયા નથી પરંતુ આપડી આજુ-બાજુના અસંખ્ય લોકો ફસાયા છે. આવા બનાવો પોરબંદરમાં વિદ્યાર્થીઓથી માંડી વૃધ્ધો સુધીનાઓ સાથે બની ચુક્યા હોવા છતાં લલચામણી ઓફર કરતી રીયા શર્મા સાથે ‘સુવાડી’ મિત્રતા જામશે તેમ માનીને બકરાઓ ફસાતા જાય છે. ભૂતકાળમાં પોરબંદરમાં વિદ્યાર્થીઓથી માંડીને વેપારી આગેવાન સુધીના લોકો સાથે આ પ્રકારનો સાયબર ક્રાઈમ બની ચુક્યો હોવા છતાં અને બેંકના ખાતા તળિયા ઝાટક થતા હોવા છતાં લોકો જાગતા નથી, સમજતા નથી અને સુધરતા નથી અને આ પ્રકારની હનીટ્રેપમાં ફસાતા જાય છે. તેથી આ મુદ્દે લોક જાગૃતિ હોવી ખુબ જરૂરી બની જાય છે. આમ, પોરબંદર સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક શહેરોમાં આવા બનાવો બન્યા છે અને તેમાં હજુ સતત વધારો થઇ રહ્યો છે. તેથી તેના ઉપર બ્રેક મારવી જરૂરી બની જાય છે.