રાજકોટના પડધરી ખાતેથી ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે શ્રમદાન કરી ‘સ્વછતા હી સેવા‘ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો
સ્વચ્છ ભારત મિશન હેઠળ રાજ્યભરમાં ૧૫મી સપ્ટેમ્બરથી ૧૫મી ઓક્ટોબર સુધી જનભાગીદારી થકી થઈ રહી છે ‘સ્વછતા હી સેવા’ કાર્યક્રમની ઉજવણી
૨ ઑક્ટોબર, ૨૦૧૪ અને મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરાવી હતી. આ વર્ષે સ્વચ્છ ભારત અભિયાનને વધુ વેગવંતુ બનાવવા તા. ૧૫મી સપ્ટેમ્બરથી ૧૫મી ઑક્ટોબર દરમિયાન ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેની થીમ ‘ગાર્બેજ ફ્રી ઇન્ડિયા’ રાખવામાં આવી છે.
સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ પડધરી ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સફાઈ ઝુંબેશ, ભારત સ્વચ્છતા લીગ, સફાઈ મિત્ર સુરક્ષા સહ શ્રમદાન જેવા કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મંત્રી રાઘવજી પટેલે પણ શ્રમદાન આપી સૌને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત મંત્રીશ્રીએ સફાઈ કર્મચારીઓને પીપીઈ કીટ અને સુરક્ષા સાધનોનું પણ વિતરણ કર્યું હતું. મંત્રી રાઘવજી પટેલે આ પ્રસંગે સ્વચ્છ ભારત અભિયાન અંગે વાત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા આ ભગીરથ કાર્યમાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ધાર્મિક સંસ્થાઓ, વેપારી સંગઠનો તેમજ સેવાભાવી સંસ્થાઓને પણ ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત જાેડવામાં આવી રહ્યા છે. જનભાગીદારી સુનિશ્ચિત થાય તે માટે રાજ્યની ૮ મહાનગરપાલિકા અને ૨૭ નગરપાલિકાઓને મળી ૩૫ શહેરોમાં સ્વચ્છતા સંબંધી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, આજ તા. ૧૭મી સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યના તમામ સફાઈ કર્મચારીઓ માટે સુરક્ષા શિબિર પર હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે. ચેક અપના સ્થળે જ સફાઈ કર્મચારીઓને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કરાવવામાં આવશે. આ અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ સફાઈ સ્પર્ધા, ભારત સ્વચ્છતા લીગ અંતર્ગત રાજ્યના મહત્વના સ્થળોએ સ્વચ્છતા પ્રવૃત્તિઓ દેખીતી રીતે થાય તેનું આયોજન, સફાઈકર્મીઓને પીપીઈ કીટ અને સુરક્ષા સાધનોનું વિતરણ, શ્રેષ્ઠ તાલુકાઓ તેમજ જિલ્લા દીઠ શ્રેષ્ઠ ૩ ગ્રામ પંચાયતો અને રાજ્ય કક્ષાએથી ૩ જિલ્લાઓનું સફાઈની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાશે.
આ ઉપરાંત જાહેર સ્થળો ખાતેથી કચરો દૂર કરવો, વોલ પેઇન્ટિંગ, સફાઇ અને કચરા પેટીઓ, જાહેર શૌચાલયો, વેસ્ટ ટ્રાન્સપોર્ટેશન વાહનો, સ્વચ્છતા ક્વિઝ, વૃક્ષારોપણ, સ્વચ્છતા પ્રતિજ્ઞા અને સ્વચ્છતા દોડ વગેરે કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.