સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ દેશીદારૂ વેચાતો હોવાની સહિતની બાબતોનો વિડીયો વઢવાણના યુવાને ફરતો કરતા પોલીસતંત્રમાં દોડધામ
વઢવાણ પોલીસે વિડીયો બાબતે ખરાઇ કરી ખોટી હકિકત જાહેર કરતો વિડીયો હોવાનું ખૂલતા યુવાન સામે કાર્યવાહી કરી હતી
બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ દેશીદારૂ વેચાતો હોવાની સહિતની બાબતોનો વિડીયો વઢવાણના યુવાને ફરતો કરતા પોલીસતંત્રમાં દોડધામ મચી હતી ત્યારે વઢવાણ પોલીસે વિડીયો બાબતે ખરાઇ કરી ખોટી હકિકત જાહેર કરતો હોવાનું ખૂલતા યુવાન સામે કાર્યવાહી કરી હતી.
બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડને લઇને સમગ્ર ગુજરાતમાં ચકચાર ફેલાઇ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં દેશીદારૂ બાબતે યુવાને વિડીયો ફરતો કરતા ચકચાર ફેલાઇ હતી. આ બાબતની ગંભીરતા લઇને જિલ્લા પોલીસતંત્ર પણ દોડતુ થઇ ગયુ હતુ. ત્યારે જિલ્લા પોલીસવડા હરેશ દુધાત, ડીવાયએસપી એચ.પી.દોશી સૂચના-માર્ગદર્શનથી વઢવાણ પીએસઆઈ ડી.ડી.ચુડાસમા સહિતની ટીમે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. જેમાં વિડીયો બનાવનાર વઢવાણના નીતીનભાઈ ભુપતભાઈ સારોલા હોવાનું બહાર આવ્યુ હતુ. અને નીતીનભાઈ વિરૂદ્ધ વઢવાણ પોલીસ મથકમાં 2021માં મારામારી, એટ્રોસિટી સહિતનો ગુનો નોંધાતા તેની ધરપકડ કરાઇ હતી અને વર્ષમાં કેટલા દેશીદારૂના કેસો કર્યા છે તેની આરટીઆઈ કરતા તેની માહિતી પણ તેને પોલીસતંત્ર દ્વારા આપવામાં આવી હતી. નીતીનભાઇએ કરેલી અરજી બાબતે ટેલિફોનથી પોલીસ મથકમાં નિવેદન લખાવવા માટે બોલાવતા આવ્યા નથી. આમ ગુનામાં ધરપકડ કરતા પોલીસની કાર્યવાહીથી નારાજ થઇ પોલીસને ખોટી રીતે બદનામ કરવા અને પોલીસની છબી ખરડાય તેવા ખોટા આશયથી ખોટો વિડીયો ફરતો કર્યો હોવાનું બહાર આવતા પોલીસે નીતીનભાઈ સામે કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત બોટાદ જિલ્લામાં બનેલી કેમીકલ લઠ્ઠાકાંડ મામલે અસામાજીક તત્વો દ્વારા આવા પ્રકારની ખોટી હકિકત જાહેર કરતો વિડીયો ફરતો કરવામાં આવ્યો હતો. પરંતુ વિડીયો બાબતે ખરાઇ કરતા કોઇ હકિકત સત્ય જણાઇ ન હતી. આથી જિલ્લા પોલીસ દ્વારા લોકોને આવા ખોટા વિડીયો નહી બનાવવા કે સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર ફરતા નહી કરવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતા કોઇ વ્યક્તિ દ્વારા કોઇપણ પ્રકારની ખોટી માહિતી સોશિયલ મિડીયામાં ફરતી કરવામાં આવશે તો તેને વિરૂદ્ધ કાર્યવાહી કરવાની પણ તંત્રે તાકીદ કરી હતી.