અમદાવાદ શહેરની મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી
અમદાવાદ,
શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ બંનેએ સાથે બિઝનેસ શરૂ કર્યો હતો અને તેના નફાથી મિલકતો પણ ખરીદી હતી. મહિલાનો પતિ દેવું થઈ ગયું હોવાના બહાના કરી મહિલાને તેના પિયરમાંથી પૈસા લાવવા દબાણ કરી ત્રાસ આપી માર મારતો હતો. મહિલાનો પતિ દારૂની લતે ચઢી ગયો હતો. જ્યારે જ્યારે તે દારૂ પીને આવતો ત્યારે ઘરમાં જ ઉલટી અને પેશાબ કરી દેતો હતો. સંસાર બચાવવા માટે મહિલા તે સાફ પણ કરતી હતી. લગ્નના એક વર્ષ બાદ પતિ તેની સાથે શરીરસુખ પણ માણતો ન હતો. અગાઉ જ્યારે શારીરિક સંબંધ બાંધતો ત્યારે પણ તકલીફ અનુભવતો હતો. જેથી પત્નીને તેનો પતિ શરીરસુખથી પણ વંચિત રાખતો હતો. આખરે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષીય મહિલાના લગ્ન વર્ષ ૨૦૦૯માં આણંદના કરમસદ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પિયરમાંથી આપેલું સોનું તથા અન્ય ભેટ સાથે આ મહિલા સાસરે રહેવા ગઇ હતી. આણંદ ખાતે રહેવા ગયા બાદ મહિલાએ તેના પતિ સાથે કન્સ્ટ્રકશન પ્લાનિંગ ડિઝાઇનિંગનો વ્યવસાય શરૂ કર્યો હતો. લગ્ન સમયે મહિલાના માતાપિતાએ આપેલા ૫૦,૦૦૦ રૂપિયાની સંયુક્ત એફડી આ મહિલાએ કરી હતી અને બંનેનું જાેઈન્ટ એકાઉન્ટ હોવાથી તમામ વ્યવહાર તેનો પતિ પોતે જ કરતો હતો. બંને પતિ-પત્ની ઓફિસમાં સાથે કામ કરતા હતા ત્યારે તેનો પતિ ઓફિસના કામને લઈને વારંવાર તેને અપમાનિત કરતો હતો અને લગ્નના ત્રણ વર્ષ બાદ મહિલાના પતિએ દારૂ પીવાનું શરૂ કર્યું હતું અને મહિલા જે જમવાનું બનાવે તે જમતો પણ ન હતો. આ સમય દરમિયાન ધંધાની કમાણીમાંથી મહિલા અને તેના પતિએ વિદ્યાનગર ખાતે એક ફ્લેટ તથા એક ઓફિસ અને એક પેન્ટ હાઉસ લીધું હતું. આ મિલકતો બંનેનાં ભેગા શરૂ કરેલા ધંધાની કમાણીથી લીધી હોવા છતાં પણ મહિલાના પતિએ તમામ મિલકત તેના નામે કરી લીધી હતી. લગ્ન સમયે આવેલા તમામ દાગીના પણ પતિએ પચાવી પાડયા હતા.
લગ્નના એક વર્ષથી આ મહિલાનો પતિ તેની સાથે શારીરિક સંબંધ પણ રાખતો ન હતો. અગાઉ જ્યારે તે સંબંધ રાખતો ત્યારે પણ મુશ્કેલી અનુભવતો હતો. જે બાબતે મહિલા કંઈ બોલે તો તેની ઉપર આક્ષેપ કરી સતત દારૂ પીતો હતો. મહિલાના પતિના બે-ત્રણ વખત અકસ્માત થયા હતા અને લાંબી માંદગી આવી હતી. જેથી પતિના શરીરસુખથી આ મહિલા વંચિત રહેતી હતી. વર્ષ ૨૦૧૯માં મહિલાનો પતિ ચિક્કાર દારૂ પીને ઘરે આવ્યો હતો. આ સમયે જમવા માટે મહિલાને બે ત્રણ કલાક સુધી બેસાડી રાખી હતી. તેમજ પિયરમાંથી પૈસા લાવવા બાબતે ઝઘડો કરી ફ્રીજમાંથી ઠંડા પાણીની બોટલ લઇને મહિલા પર ઠંડુ પાણી રેડી ત્રાસ આપ્યો હતો. સમગ્ર બાબતોથી કંટાળીને આ મહિલાએ પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે.