અત્યારે દર કલાક આસપાસ 20 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
સાબરમતી નદીની અંદર ફરી પાણીની આવકમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા જળસ્ત્રોતની સપાટીમાં વધારો થવા પામ્યો છે. ખાસ કરીને ધરોઈ ડેમમાં પાણી છોડતા આ સપાટીમાં વધારો થયો છે. જેના કારણે વાસણા બેરેજના દરવાજાઓ ખોલવામાં આવી રહ્યા છે. ધરોઈ ડેમમાં 1 લાખ ક્યુસેક સુધી પાણી છોડાઈ શકે છે. અત્યારે દર કલાક આસપાસ 20 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે સાબરમતીમાં પાણી આવતા અહીંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી અમદાવાદ આસપાસના જિલ્લાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.
રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના કારણે ધરોઈ ડેમની જળસપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ધરોઈની જળસપાટી વધતા ધરોઈના દરવાજા ખોલી પાણી છોડાતા આ પાણી સાબરમતીમાં આવી રહ્યું છે. જેના કારણે મહેસાણા જિલ્લાના 27 જેટલા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. અગાઉ એક વીક પહેલા ધરોઈનું પાણી છોડાતા રીવરફ્રન્ટ પર વોક વે માટે પણ લોકોના આવન જાવનને લઈને પણ મનાઈ ફરમાવવામાં આવી હતી.
ધરોઈની અંદર 88 ટકા જેટલો પાણી જથ્થો છે. ભારે વરસાદની આગાહીના કારણે 10350 ક્યુસેક પાણીની આવક અને જાવક થઈ રહી છે. કુલ સપાટી 622 ફુટ છે જેમાંથી અત્યારે હાલની જળ સપાટી 619.36 ફુટ રૂલ લેવલ પર છે જેથી પાણી છોડાતા હાલમાં જિલ્લા કલેક્ટર દ્વારા તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.