ન્યુ દિલ્હી,
ફ્લાઇંગ શિખના નામથી પ્રખ્યાત મિલ્ખા સિંહનું શુક્રવારે ૧૮મી જૂનના રોજ નિધન થયું. મિલ્ખા સિંહ ૯૧ વર્ષના હતા અને તેમના નામે કેટલાંય રેકોર્ડસ નોંધાયા છે. મિલ્ખા સિંહના નિધનથી સમગ્ર દેશમાં શોકનું વાતારવણ છવાયુ છે પીએમ મોદી, અમિત શાહ, બોલિવુડની દિગ્ગજ હસ્તીઓ તેમજ રમત-ગમતના દિગ્ગજ ખેલાડીઓએ શોક વ્યક્ત કર્યો હતો. મિલ્ખા સિંહના અવસાન સાથે સમગ્ર દેશમાં એક યુગનો અંત આવ્યો છે તેવુ કહી શકાય. સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, કપિલ દેવ, સાનિયા મિર્ઝા, હરભજન સિંઘ સહિત અનેક અગ્રણી હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
આ સિવાય સો.મીડિયા પ્લેટફોર્મ ટિ્વટર પર ‘ભારત રત્ન’ ટ્રેન્ડિંગમાં છે. ટિ્વટર પર લોકો મિલ્ખા સિંહને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવાની માંગ કરી રહ્યા છે.
મિલ્ખા સિંહને શ્રદ્ધાંજલિ આપતાં લિટલ માસ્ટર સચિન તેંડુલકરે લખ્યું કે, “ફ્લાઇંગ શીખ મિલ્ખા સિંહ જી તમારા આત્માને શાંતિ મળે તમારા જવાથી દેશના દિલમાં એક ખાલીપણું સર્જાયું છે. તમે આવનારી પેઢી માટે હંમેશા પ્રેરણા બની રહેશો”. વિરેન્દ્ર સહેવાગે કહ્યું, ”મહાન વ્યક્તિ મિલ્ખા સિંહ આપણને છોડીને જતા રહ્યા પરંતુ મિલ્ખા સિંહ બહાદુરીના પ્રતીક તરીકે હંમેશા આપણા દિલમાં જીવંત રહેશે. તેમના પરિવાર સાથે મારી સંવેદના છે”.
ચાર વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર મિલ્ખાએ ૧૯૫૮ કોમનવેલ્થ ગેમ્સમાં પીળો ચંદ્રક જીત્યો હતો. તેમ છતાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન ૧૯૬૦ની રોમ ઓલિમ્પિક્સમાં હતું જેમાં ૪૦૦ મીટરની ફાઇનલમાં તેમણે ચોથું સ્થાન મેળવ્યું હતું. તેમણે ૧૯૫૬ અને ૧૯૬૪ ઓલિમ્પિક્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૫૯માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.